રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી શરૂ કરાયેલ આ કામગીરી દરમિયાન સુલતાનપુર માર્ગ પર ઉભા કરાયેલા રસના ચિચોડા તેમજ અન્ય કાચા અને પાકા દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.


ગેરકાયદેસર દબાણકર્તાઓને નોટિસ

માહિતી મુજબ માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા અગાઉથી ગેરકાયદેસર દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. કુલ 100થી વધુ લોકોને નોટિસ આપવામાં આવી હતી અને દબાણો હટાવવા સૂચના આપવામાં આવી હતી. નોટિસ મળ્યા બાદ કેટલાક લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાનાં દબાણો દૂર કરી લીધા હતા.

તંત્રએ બુલડોઝર ચલાવી કાર્યવાહી કરી

જોકે હજુ પણ અનેક જગ્યાએ ગેરકાયદેસર દબાણો યથાવત જોવા મળતાં તંત્રએ બુલડોઝર ચલાવી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન રસ્તા પર ઉભા કરાયેલા રસના ચિચોડા સહિતના અનેક કાચા અને પાકા બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.

 દબાણ કરનારાઓમાં ફફડાટ

આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. તંત્રએ સ્પષ્ટ જણાવ્યું છે કે જાહેર માર્ગો અને સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ સહન કરવામાં આવશે નહીં.

પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ડીમોલિશન કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુલતાનપુર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 


આ પણ વાંચો----    Vadodara: તરસાલીમાં ઘરેલું ઝઘડાનો કોલ મળતા પહોંચેલા પોલીસ કર્મીઓ સાથે જ ઝપાઝપી



  • Follow us on: