હળવદ-મોરબી હાઈવે પર ચરાડવા ગામ પાસે એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક ઇજાગ્રસ્ત મિત્રને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહેલી કાર રસ્તામાં જ કાળનો કોળિયો બની ગઈ હતી. પૂરપાટ ઝડપે જતી કાર આગળ જતાં ડમ્પર સાથે ધડાકાભેર અથડાતાં મોરબી તાલુકા પંચાયતના સભ્ય સહિત રણછોડગઢ ગામના 5 આશાસ્પદ યુવાનોના કરુણ મોત નીપજ્યા છે. આ ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોનારાના કાળજા કંપાવી મૂકે તેવા છે. એક જ ગામના 5 યુવાનોના મોતથી સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે.
ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે લઇ જતા હતા
મળતી વિગતો મુજબ, હળવદના માનસર પાસે અગાઉ એક અકસ્માત થયો હતો, જેમાં એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. આ ઇજાગ્રસ્ત યુવકને વધુ સારવાર અર્થે કાર મારફતે મોરબી હોસ્પિટલે લઈ જવામાં આવી રહ્યો હતો.
ચરાડવા પાસે કાર આગળ જઈ રહેલા ડમ્પરના પાછળના ભાગે અથડાઇ
આ દરમિયાન હળવદથી મોરબી જતા માર્ગ પર ચરાડવા પાસે કાર આગળ જઈ રહેલા ડમ્પરના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 યુવાનોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો, જેથી કુલ મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે.
તાલુકા પંચાયતના સભ્ય પ્રેમજી દધૈયાનું પણ મોત
મૃતકોમાં મોરબી તાલુકા પંચાયતના સભ્ય પ્રેમજી દધૈયા સહિત રણછોડગઢ ગામના અન્ય ચાર યુવાનોનો સમાવેશ થાય છે. આ સિવાય કારમાં સવાર અન્ય 2 યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ ઓપરેશન અને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જ ગામના પાંચ-પાંચ યુવાનોના જવાથી રણછોડગઢ ગામમાં આક્રંદ છવાઈ ગયો છે.
આ પણ વાંચો---- Gujarat Latest News live : રાજ્યમાં 10 જૂન સુધી વરસાદની આગાહી