સાબરકાંઠાના હિંમતનગરથી શરૂ થયેલું હુડાનું આંદોલન હવે શહીદ ભગતસિંહ તેમજ ચંદ્રશેખરના માર્ગે આગળ વધી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. આજે યોજાયેલી હૂડા સમિતિની બેઠકમાં આગામી 12 ડિસેમ્બરથી 10,000 જેટલા આત્મ રક્ષણ માટે શસ્ત્ર મેળવવા લેખિત રજૂઆત કરાશે. તેમજ આવનારા સમયમાં હૂડાને દૂર કરવા માટે છાતી પર ગોળીઓ ખાવાનો દ્રઢ નિર્ધાર કરાયો છે.


લોકો મરણિયા બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે

સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા ત્રણ માસથી હુડા રદ કરવા મામલે ભારે જન આક્રોશ પેદા થઈ રહ્યો છે. જો કે તાજેતરમાં થયેલી 11 ગામડાઓની પદયાત્રા બાદ ગાંધી ચિંધ્યો માર્ગ છોડી હવે આવનારા સમયમાં શહીદ ભગતસિંહ તેમજ ચંદ્રશેખર આઝાદના માર્ગે આગળ વધવા આજે યોજાયેલી બેઠકમાં નિર્ણય કરાયો છે. આજે હૂડા સમિતિની હિંમતનગર ખાતે બેઠક કરવામાં હતી. જેમાં આવનારા સમયના કાર્યક્રમની રણનીતિ તૈયાર કરાઈ હતી. જે અંતર્ગત હવે સરકાર જો હુડા રદ કરવા મામલે ગંભીરતાથી ન વિચારે તો 11 ગામના લોકો મરણિયા બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

સમિતિએ સરકારને ફેર વિચારણા માટે રજૂઆત કરી હતી

આવનારી 12 ડિસેમ્બરથી 10,000 જેટલા લોકો આત્મ રક્ષણ માટે શસ્ત્રોની માંગણી કરવાના છે. તેમજ સમય સંજોગ મુજબ સરકાર સામે આક્રમક થવું પડે તો છાતી પર ગોળીઓ ઝીલવા પણ તૈયાર છે. એક તરફ રાજ્ય સરકાર પાસે સતત સહયોગની અપેક્ષા રાખી રહેલી હુડા સમિતિએ સતત 90 દિવસ સુધી વિવિધ પ્રયાસો કર્યા છે. જેમાં વરસતા વરસાદમાં જંગી જાહેર રેલી કરી સમિતિએ સરકારને ફેર વિચારણા માટે રજૂઆત કરી હતી. તાજેતરમાં 11 જેટલા ગામડાઓમાં પદયાત્રા કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જોકે હજી સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ ચોક્કસ પગલા નથી લેવાયા. ત્યારે આવનારા સમયમાં આ મામલે ગંભીરતાથી વિચારવા માટે સમિતિએ આજે સંકલન બેઠક બોલાવી હતી.


આ પણ વાંચોઃ Gandhinagar News : પોલીસના પટ્ટા અને દારૂબંધીના વાકયુદ્ધ વચ્ચે નાયબ મુખ્યંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠા જશે

  • Follow us on: