સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સેશન્સ કોર્ટે હત્યાના એક સનસનાટીભર્યા કેસમાં અત્યંત કડક અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. વર્ષ 2023માં જિલ્લાના ઈલોલ ગામમાં આવેલા એક સલૂનમાં થયેલી ઘાતકી હત્યાના ચકચારી મામલે ન્યાયાલયે ન્યાયના હિતમાં મોટો નિર્ણય લીધો છે. કોર્ટે આ કેસની ગંભીરતા અને ક્રૂરતાને ધ્યાને રાખીને બે મુખ્ય આરોપીઓને ફાંસીની (મૃત્યુદંડ) સજા ફટકારી છે, જ્યારે ગુનામાં સાથ આપનારા અન્ય એક આરોપીને સાત વર્ષની સખત કેદની સજાનો આદેશ કર્યો છે.
સલૂનમાં ઘાતકી હુમલો કરી નીપજાવી હતી હત્યા
આ કેસની વિગતો મુજબ ત્રણેક વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2023માં ઈલોલ ગામના એક સલૂનની અંદર આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને એક વ્યક્તિ પર ઘાતકી અને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ભોગ બનનાર વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યાની આ વારદાતને અંજામ આપ્યા બાદ કાયદાના સકંજામાંથી બચવા માટે આરોપીઓએ ઘટનાસ્થળેથી લોહી અને અન્ય પુરાવાઓ નષ્ટ કરવાનો તેમજ સળગાવી દેવાનો પણ હીન પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની ત્વરિત અને વૈજ્ઞાનિક તપાસમાં તમામ કડીઓ ખૂલી ગઈ હતી.













