કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આપેલા પોલીસ સામેના નિવેદન બાદ પોલીસ પરિવારમાં રોષ ફેલાયો છે. ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં પોલીસ પરિવાર રોષે ભરાયો છે અને વિરોધ કરી રહ્યો છે. હિંમતનગરમાં પોલીસ પરિવાર દ્વારા બેનરો સાથે ભારે સુત્રોચ્ચાર કરીને રેલી યોજવામાં આવી હતી. પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા રેલી યોજીને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. નિવૃત્ત પોલીસ સંગઠન દ્વારા જન આક્રોશ રેલીનો વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જો મેવાણી માફી નહીં માગે તો રેલી યોજવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે ભયંકર રોષ
તાજેતરમાં થરાદમાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસ વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું. લોકો સાથે થરાદ પોલીસ સ્ટેશન પહોંચેલા જિજ્ઞેશ મેવાણીએ થરાદના પોલીસ વડા સહિતના સ્ટાફને પોલીસના પટ્ટા ઉતરાવી દેવાનું જાહેરમાં નિવેદન કર્યું હતું. ત્યાર બાદ પોલીસ પરિવાર રોષે ભરાયો હતો. પોલીસ પરિવારની મહિલાઓએ હિંમતનગર આંબાવાડી પોલીસ રેસિડેન્સ પાર્કથી મહાવીરનગર ચાર રસ્તા સુધી રેલી યોજીને સુત્રોચ્ચાર કર્યા હતાં.













