જામનગર જિલ્લામાં આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજ્ય પરિવહન નિગમની એક બસને અન્ય બસ દ્વારા પાછળથી ટક્કર મારતા 10 જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે. આ અકસ્માત ધ્રોલ નજીક આવેલા ટોલનાકા પાસે થયો હતો.
108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી
પ્રાથમિક માહિતી મુજબ, એક ST બસ ટોલનાકા પાસે ઊભી હતી, ત્યારે પાછળથી આવતી અન્ય એક ઝડપી ST બસે ઊભેલી બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું અને બસમાં બેઠેલા મુસાફરો આંચકા સાથે આગળ ફેંકાયા હતા. આ અકસ્માતને પગલે બસમાં સવાર આશરે 10 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક મદદ કરીને ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.













