જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળે ભીનો અને સૂકા કચરાના ટવીન બીન્સ મૂકવા માટે કરવામાં આવેલા રૂ.35 લાખનો ખર્ચ આંધણ થયાનો ઘાટ સર્જાતા કૌભાંડની આંશકા નકારી શકાતી નથી. મનપા દ્રારા મૂકવામાં આવેલા ટીવીન બીન્સ અમુક સ્થળો પરથી ગાયબ છે તો અમુક સ્થળો પર તૂટી ગયા છે. મનપા દ્વારા આડેધડ ટવીનબીન્સ મૂકી બુઘ્ધિનું દેવાળુ ફૂંકયા બાદ નાણાંનો પણ ધુમાડો કરવામાં આવતા સ્વચ્છ અને ગ્રીન જામનગર અભિયાનનો ફીયાસ્કો થયો છે.
મનપા દ્વારા સાતત્યનો અભાવ
સ્વચ્છ અને ગ્રીન જામનગરના દાવા ચરિતાર્થ કરવા અને સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગરનો અગ્ર ક્રમ આવે તે માટે મહાનગરપાલિકા દ્વારા જંગી ખર્ચ કરવામાં આવે છે. પરંતુ જંગી ખર્ચ કર્યા બાદ કામગીરીમાં મનપા દ્વારા સાતત્યનો અભાવ જોવા મળે છે. ઘોર બેદરકારીથી સ્વચ્છ અને ગ્રીન જામનગરના અભિયાનનો ફીયાસ્કો થઇ રહ્યો છે. શહેરમાં 10 મહીના પહેલા મહાનગરપાલીકા દ્રારા શહેરના જુદા-જુદા માર્ગો અને વિસ્તારોમાં ભીના અને સૂકા કચરાના ટવીનબીન્સ મૂકવાની કામગીરી કરવામાં આવી હતી. આ માટે અમદાવાદની એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.













