ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગરમાં પતંગની કાતલ ઘાતક દોરીના કારણે અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના દિગ્જામ સર્કલ પાસે આવેલા આંબેડકર ઓવરબ્રિજ પર પતંગની દોરી ગળામાં ફસાઈ જતાં એક બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. 42 વર્ષીય ડોલન દાસ નામની વ્યક્તિ પોતાની બાઈક લઈને આંબેડકર ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહી હતી.
આંબેડકર બ્રિજ પર પતંગની દોરીથી ચાલક ઘાયલ
આ દરમિયાન આકાશમાંથી કપાઈને આવેલી પતંગની દોરી અચાનક તેમના ગળાના ભાગે ફસાઈ ગઈ હતી. બાઈકની ઝડપના કારણે દોરી ગળામાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી, જેના પરિણામે ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને જોતજોતામાં લોહી વહેવા લાગ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત ડોલન દાસને તાત્કાલિક અસરથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.













