'છોટા કાશી' તરીકે જાણીતા જામનગર શહેરમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે શહેરના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા કાશી વિશ્વનાથ મંદિર ખાતે 72 કલાકના અખંડ મંત્રોચ્ચારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનથી સમગ્ર મંદિર પરિસર દિવ્ય ઊર્જા અને ભક્તિમય વાતાવરણમાં તરબતર થઈ ગયું છે.
વૈદિક મંત્રોચ્ચાર અને મહાઆરતીનું આયોજન
આ વિશેષ અનુષ્ઠાન અંતર્ગત વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સતત 72 કલાક સુધી શાસ્ત્રોક્ત વિધિ સાથે વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. આગામી 10 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ સાંજે ભવ્ય મહાઆરતી, સત્સંગ અને ભજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. "ૐ નમઃ શિવાય" ના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે, જેનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.













