જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આજે વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. બપોર બાદ અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને જોતજોતામાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ (માવઠું) તૂટી પડ્યો હતો. માત્ર અડધા કલાકના ગાળામાં ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.


ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ

કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદી ઇનિંગ શરૂ થઈ હતી. જેમાં નવાગામ, માછરડા, ધૂન ધોરાજી, ફગાસ, જસાપર, મોટા વડાલા, નિકાવા, આણંદપર, રાજડા, બેડીયા અને ખડ ધોરાજી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉનાળાની શરૂઆતે જ ચોમાસા જેવો નજારો જોવા મળતા જનજીવન પ્રભાવિત થયું હતું.

ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાયો

આ કમોસમી વરસાદ ખેડૂતો માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થયો છે. ખેતરોમાં અત્યારે રવી પાકની લણણી અંતિમ તબક્કામાં છે, ત્યારે જ વરસાદ પડતા ઘઉં, ચણા, જીરું અને લસણ જેવા કિંમતી પાકો બગડવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત કલોંજી (કલેન્ઝી) અને મેથી જેવા તેજાના પાકોમાં પણ વ્યાપક નુકસાનના અહેવાલ મળી રહ્યા છે. ભારે પવનને કારણે ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેનાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે.ખેડૂતો હવે ચિંતિત બન્યા છે કે જો વાતાવરણ હજુ પણ આવું જ રહેશે, તો હાથમાં આવેલો તૈયાર પાક સંપૂર્ણપણે નિષ્ફળ જશે.


આ પણ વાંચો----    Patan : પોલીસને છંછેડી, હવે ભોગવો, જીલીયા ફાર્મમાં આતંક મચાવનાર 17 લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી સરઘસ કાઢ્યું



  • Follow us on: