જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળે તે પૂર્વે જ હાથણી વિસ્તારના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના મુદ્દે મનપા કચેરી બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. કોર્પોરેટર રચના નંદાણીયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા સ્થાનિકોએ રોડ, રસ્તા અને પીવાના પાણીની વિકટ સમસ્યા અંગે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. હાથણી વિસ્તારમાં લાંબા સમયથી બિસ્માર રસ્તાઓ અને અનિયમિત પાણી પુરવઠાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ હાથમાં બેનરો રાખીને તંત્ર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને શાસકો પર નિષ્ક્રિયતાનો આક્ષેપ લગાવ્યો હતો.
આંદોલનના એંધાણ
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે અગાઉ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસન જ આપવામાં આવ્યા છે. રોડ-રસ્તાની તાત્કાલિક સુધારણા અને નિયમિત શુદ્ધ પાણી આપવાની મુખ્ય માગ સાથે આજે કોર્પોરેશનનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. રજૂઆત કર્તાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે, તો જામનગરના નાગરિકો દ્વારા વધુ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે.













