હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે અચાનક કમોસમી વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે. શિયાળાની કડકડતી ઠંડીની વચ્ચે અચાનક વરસાદી માહોલ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે.


ચેલા-ચાંગા પંથકમાં વરસાદી ઝાપટા

જામનગર ગ્રામ્યના ચેલા, ચાંગા અને તેની આસપાસના વિસ્તારોમાં આજે આકાશ વાદળોથી ઘેરાયું હતું અને ત્યારબાદ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા. માર્ગો ભીના થવાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શિયાળામાં ચોમાસા જેવો અહેસાસ થતા સ્થાનિકો આશ્ચર્યચકિત થયા હતા, પરંતુ આ વરસાદ ધરતીપુત્રો માટે ચિંતાની આફત લઈને આવ્યો છે.

ખેતીમાં નુકસાન થવાની ભીતિ

રવિ પાકને નુકસાનની ભીતિ હાલ ખેતરોમાં રવિ પાક જેવા કે જીરું, ધાણા, ચણા અને ઘઉં તૈયાર થઈ રહ્યા છે. આવા સમયે કમોસમી વરસાદ એટલે કે 'માવઠું' પડવાથી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને જીરું અને ધાણાના પાકમાં રોગચાળો ફાટી નીકળવાની અને ફૂલ ખરી જવાની શક્યતાને પગલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. મોંઘા બિયારણ અને ખાતર નાખીને તૈયાર કરેલો પાક નિષ્ફળ જશે, તો આર્થિક ફટકો પડશે તેવો ડર ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી

અત્રે નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા અગાઉ જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે હજુ પણ આગામી સમયમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. કમોસમી વરસાદને કારણે માત્ર ખેતી જ નહીં, પરંતુ પશુપાલકોને પણ ઘાસચારા બાબતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો -


  • Follow us on: