જુનાગઢ જિલ્લાના ચોરવાડ ગામે મોટી ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે. મામલતદાર કે.કે. વાળાના નેતૃત્વમાં કરવામાં આવેલા અચાનક દરોડા દરમિયાન પથ્થરની ખાણમાં ચાલી રહેલું ગેરકાયદે ખનન ઝડપાયું છે. દરોડા દરમિયાન સ્થળ પરથી ત્રણ ટ્રેક્ટર અને એક લોડર જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખનન માટે ઉપયોગમાં લેવાતા કુલ 6 ચકરડી મશીનો પણ કબજે લેવામાં આવ્યા છે.


મામલતદાર કે.કે. વાળાએ તાત્કાલિક ખનીજ વિભાગને જાણ કરી

તપાસ દરમિયાન અધિકારીઓને સ્થળ પર ગેરકાયદે વીજ જોડાણ મળ્યું હતું, જેના આધારે ખનન પ્રવૃત્તિ વધુ ગેરરીતિપૂર્વક ચાલી રહી હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ખાણ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પણ થયેલું હોવાનું સામે આવ્યું છે, જેનાથી સમગ્ર પ્રકરણ વધુ ગંભીર બન્યું છે. મામલતદાર કે.કે. વાળાએ તાત્કાલિક ખનીજ વિભાગને જાણ કરી હતી. જાણ થતાં જ ખનીજ ખાતાના અધિકારીઓ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ગેરકાયદે ખનનથી સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા

પ્રાથમિક અંદાજ મુજબ ગેરકાયદે ખનનથી સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ખનીજ વિભાગ હવે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને જવાબદારો સામે કાયદેસર પગલાં લેવામાં આવશે તેવી તંત્ર તરફથી ખાતરી આપવામાં આવી છે.


આ પણ વાંચો : Patan News: હારીજ-ચાણસ્મા હાઇવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત


  • Follow us on: