જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીના પવિત્ર મેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. ગિરનારની તળેટીમાં યોજાનારા આ મિની કુંભ મેળા પૂર્વે લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પવિત્ર દામોદર કુંડને આગામી બે દિવસ માટે શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
બે દિવસ શ્રદ્ધાળુઓ માટે બંધ કરાયો દામોદર કુંડ
મહાશિવરાત્રીના મેળા દરમિયાન દેશ-વિદેશથી લાખો ભાવિકો અને સાધુ-સંતો દામોદર કુંડમાં શાહી સ્નાન કરતા હોય છે. આ પવિત્ર સ્નાન પૂર્વે કુંડના પાણીની શુદ્ધતા અને તળિયાની સફાઈ કરવી અનિવાર્ય છે. તંત્ર દ્વારા કુંડમાં જમા થયેલો કચરો અને શેવાળ દૂર કરવા માટે સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. આ કામગીરી નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકે તે માટે શ્રદ્ધાળુઓના પ્રવેશ પર બે દિવસનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.













