જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં વહીવટી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. મેંદરડાના તાલુકા વિકાસ અધિકારી ટી.વી. રાદડિયાએ એટીવીટી યોજના હેઠળના વિકાસકામોના બિલ મંજૂર કરવાની અવેજમાં એક અરજદાર પાસેથી રૂ.80,000ની લાંચની માંગણી કરી હતી. આ બાબતે અરજદારે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક સાધતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
TDOએ અરજદાર પાસેથી માંગી હતી લાંચ
ફરિયાદને આધારે એસીબીની ટીમે મેંદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે સુનિયોજિત છટકું ગોઠવ્યું હતું. આજે જ્યારે ટી.વી. રાદડિયા પોતાની જ ઓફિસમાં બેસીને અરજદાર પાસેથી લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, ત્યારે એસીબીએ ત્રાટકીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. સરકારી અધિકારીની પોતાની જ ચેમ્બરમાંથી ધરપકડ થતા કચેરીના અન્ય સ્ટાફ અને સમગ્ર તાલુકામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.













