મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રીના પાવન પર્વે ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે દર્શન અને પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રીએ મહાશિવરાત્રીના પાવન અવસરે જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતા પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે ભવનાથ મંદિર પરિસરમાં સાધુ સંતોના આશીર્વાદ મેળવી તેમને ખેસ અર્પણ કરીને વિશેષ સન્માન સાથે અભિવાદન કર્યું હતું. સંત સમાગમ માટે પ્રસિદ્ધ આ મહાશિવરાત્રીના મેળામાં મુખ્યમંત્રીએ સાધુ સંતો સાથે મેળાપ કરીને આધ્યાત્મિક ચેતનાની પણ અનુભૂતિ કરી હતી. ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મંદિરમાં આવેલા અખંડ ધુણાના પણ દર્શન કર્યા હતા ત્યારબાદ મૃગીકુંડ ખાતે શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા.
મુખ્યમંત્રીએ સાધુ સંતો સાથે મુલાકાત કરી
મુખ્યમંત્રીએ આસ્થાના મહાકુંભરૂપ મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, હરિહરાનંદ બાપુ, મહેશગીરીબાપુ, મહેન્દ્રાનંદગીરીબાપુ, સંપૂર્ણાનંદજી બાપુ, રાજેન્દ્રદાસ બાપુ, ભારદ્વાજગીરી બાપુ, બુદ્ધગીરી બાપુ, સોમનાથજી બાપુ સહિતના સાધુ સંતો સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ ખેસ અને ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીનું જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સ્વાગત સન્માન કર્યું હતું. પ્રાંત અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલે મહાશિવરાત્રીના મેળાની પ્રાથમિક ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ ભવનાથ મંદિરના પરિસરમાં સહજતાપૂર્વક ભાવિકો સાથે વાતચીત કરી હતી અને તેમનું અભિવાદન કર્યું હતું. મહાશિવરાત્રીના મેળામાં જુદા જુદા અખાડાઓના સાધુ સંતો અને દિગંબર સાધુઓની મહાશિવરાત્રી પર્વે નીકળતી રવેડીનું પણ વિશેષ મહત્વ રહેલું છે.













