જૂનાગઢ શહેરની મધ્યમાં ધમધમતી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી પર પોલીસે ત્રાટકીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એ ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે આંબેડકરનગર વિસ્તારમાં દરોડા પાડીને કેમિકલ અને એસેન્સના મિશ્રણથી દારૂ બનાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ અત્યંત જોખમી રીતે કેમિકલમાં અલગ-અલગ ફ્લેવરના એસેન્સ અને કલર ભેળવીને તેને વિદેશી દારૂ જેવો લુક આપતા હતા.
કેમિકલમાં એસેન્સ ભેળવી બનાવતા હતા દારૂ
ત્યારબાદ આ નકલી પ્રવાહીને જાણીતી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરીને તેના પર નકલી સ્ટીકરો અને સીલ લગાવી બજારમાં વેચવામાં આવતું હતું. આ પ્રકારે બનાવવામાં આવતો દારૂ પીનારા વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. એ ડિવિઝન પોલીસે દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી તૈયાર કરવામાં આવેલી 1400થી વધુ દારૂની બોટલો, ખાલી બોટલોનો જથ્થો, કેમિકલના કેરબા, એસેન્સની બોટલો અને પેકિંગ માટેનું મશીન કબજે કર્યું છે.













