જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના પંથકમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં પીપળવા વાડી વિસ્તારમાં બાઈક પર જઈ રહેલા એક આધેડ શ્રમિક પર દીપડાએ હિંસક હુમલો કરતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખેતીકામ કરતા એક શ્રમિક આધેડ પોતાની બાઈક પર પીપળવા વાડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક ત્રણ દીપડાઓનું ઝુંડ રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું. ત્રણ પૈકીના એક દીપડાએ અચાનક બાઈક સવાર આધેડ પર છલાંગ લગાવી ત્રાટક્યો હતો.
પીપળવા વાડી વિસ્તારમાં બની ઘટના
દીપડાના પંજાથી આધેડ લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલાના પગલે બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેના કારણે દીપડાઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આધેડને તાત્કાલિક પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. એકસાથે ત્રણ દીપડાઓ દેખાતા સ્થાનિક રહીશોમાં ભારે ફાળ પડી છે.













