જૂનાગઢના મહાશિવરાત્રીના વર્ષ ૨૦૨૬ના મેળાના વિશેષ આયોજનને લઈને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આ વર્ષે મેળામાં વિવિધ સુવિધાઓ ઉભી કરવાની તૈયારી કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ આગામી 11 ફેબ્રુઆરીથી થશે અને 15 મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે રાત્રીના સાધુ-સંતોના મુર્ગી કુંડમાં શાહી સ્નાન સાથે સંપન્ન થશે.
મેળાનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ
ગુજરાત પવિત્ર યાત્રા ધામ બોર્ડના સહયોગથી મેળામાં વિવિધ સુશોભન અને ભાવિકો લક્ષી સુવિધાઓ ને પ્રાથમિક સવલતોની પણ ચર્ચા કરવામાં આવી હતી. સાંસ્કૃતિક ધરોહરો અને લોક પરંપરાઓમાં લોક સુવિધા વધારવાનો સરકારનો ઉપક્રમ રહ્યો છે.જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર મહાનગરપાલિકા અને અન્ય સંસ્થાઓના સંકલનથી મેળાનો સ્કેલ એટલે કે વ્યાપ વધારવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રી મેળાની ગરીમા વધે અને લોકોની સુવિધાનો વિસ્તાર વધે તેમજ સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો મેળાની વિવિધ પ્રવૃત્તિઓ અને સ્ટોલ નિહાળી શકે તે માટે ગિરનાર દરવાજાથી ભરડાવાવથી જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ગ્રાઉન્ડ સુધી મેળાનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.













