જૂનાગઢના ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ વિસ્તારમાં અવારનવાર વનરાજ લટાર મારતા જોવા મળે છે. ત્યારે ગત રાત્રે ભવનાથ જતા મુખ્ય માર્ગ પર સિંહનો એક આબાદ બચાવ થયો હોવાની ઘટના સામે આવી છે. ચાલુ ટ્રાફિક વચ્ચે બે સિંહો રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક સિંહ ગાડી સાથે અથડાતા સ્હેજમાં રહી ગયો હતો. ગઈકાલે મોડી રાત્રે ભવનાથ તરફ જતા રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ હતી.


ગાડી સાથે અકસ્માત થતા સ્હેજમાં રહી ગયો સિંહ

આ દરમિયાન અચાનક બે સિંહો ટ્રાફિકની વચ્ચે દોડતા નજરે પડ્યા હતા. સિંહોને રસ્તા પર જોઈને વાહનચાલકો થંભી ગયા હતા, પરંતુ એક પૂરપાટ ઝડપે આવતી ગાડીની સામે જ એક સિંહે છલાંગ લગાવી હતી. સિંહ અને ગાડી વચ્ચેનું અંતર એટલું ઓછું હતું કે અકસ્માત લગભગ નક્કી જ હતો, પરંતુ સિંહે ચપળતા બતાવી ત્વરિત ગતિ કરતા તેનો આબાદ બચાવ થયો હતો. આ દ્રશ્યો ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા.

રસ્તો ક્રોસ કરતી વખતે ગાડી સાથે અથડાતા રહી ગયો સિંહ

બે સિંહોને રસ્તા પર બિન્દાસ્ત રીતે દોડતા જોઈ પ્રવાસીઓ અને સ્થાનિકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. વન વિભાગ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે કે ગિરનાર તળેટી અને ભવનાથ વિસ્તારમાં વાહનચાલકોએ ગતિ મર્યાદા જાળવવી જોઈએ, કારણ કે આ સિંહોની અવરજવર વાળો કોરિડોર છે. આ ઘટના ફરી એકવાર વન્યજીવોની સુરક્ષા અને વાહનચાલકોની બેદરકારી સામે સવાલ ઉભા કરે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: