જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે આક્રમક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વારંવાર નોટિસ આપવા છતાં વેરો ન ભરતા આસામીઓ સામે તંત્રએ હવે લાલ આંખ કરી છે. જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન કુલ સાત મિલકતોને સીલ મારી દેવામાં આવતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


નોટિસની અવગણના ભારે પડી

જૂનાગઢ મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મિલકત ધારકો લાંબા સમયથી વેરો ભરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા હતા. તંત્ર દ્વારા અગાઉ અનેકવાર કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી, તેમ છતાં બાકી રકમ જમા ન કરાવતા આખરે જૂનાગઢ મનપાની ટીમ દ્વારા મિલકતો સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન પાલિકાએ સ્થળ પર જ કુલ પાંચ લાખ રૂપિયાની રિકવરી પણ કરી છે.

વધુ મિલકતો રડારમાં આવશે

આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જૂનાગઢ મનપા દ્વારા શહેરના તમામ ઝોનમાં બાકીદારોની યાદી તૈયાર કરવામાં આવી છે અને જે આસામીઓ વેરો નહીં ભરે તેમની મિલકત જપ્ત કરવા સુધીના પગલાં લેવામાં આવશે. તંત્રએ શહેરીજનોને અપીલ કરી છે કે સમયસર વેરો ભરીને કાયદેસરની કાર્યવાહી અને પેનલ્ટીથી બચવું જોઈએ.


આ પણ વાંચો - Junagadh News : જૂનાગઢના ગડુમાં લૂંટ કરનાર 7 આરોપી ઝડપાયા, લૂંટારુઓએ વૃદ્ધને બેફામ માર મારી લૂંટ ચલાવી હતી


  • Follow us on: