જૂનાગઢમાં પોલીસે કુખ્યાત 'બંગલા ગેંગ' ના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લઇ તેમના દ્વારા મંગાવવામાં આવેલ વિસ્ફોટક હથિયારોનો જથ્થો જૂનાગઢ તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે.
પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપ્યા
ગત તા. ૧૩/૦૧/૨૦૨૬ ના રોજ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે ગંભીર ગુનાના આરોપીઓ સરગવાડા ગામે કમલેશ રબારીના મકાનમાં છુપાયેલા છે.પોલીસે ત્વરિત કાર્યવાહી કરી દરોડો પાડતા સ્થળ પરથી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે: કમલેશ લખમણભાઈ ભારાઇ (રહે. સરગવાડા), વિશાલ કાનાભાઈ ભારાઇ (રહે. સરગવાડા), જયેશ ઉર્ફે એભો મેરૂભાઈ ચાવડા (રહે. જૂનાગઢ)ને ઝડપી લીધા છે. જ્યારે પોલીસને જોતા જ જયપાલ ખોડાભાઈ બઢ અને ભરત ખોડાભાઈ બઢ નામના શખ્સો ફરાર થઈ ગયા હતા, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
એભો રબારી વિરુદ્ધ હત્યા અને લૂંટ જેવા ૧૭ જેટલા ગંભીર ગુનાઓ
પકડાયેલા અને ફરાર આરોપીઓ રીઢા ગુનેગાર છે. ભાવિન બઢ વિરુદ્ધ ખૂની હુમલો, ખંડણી અને પ્રોહિબિશન જેવા ૧૧ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે એભો રબારી વિરુદ્ધ હત્યા અને લૂંટ જેવા ૧૭ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસ પર જ ફાયરિંગ કરી નાસી છૂટવાની તેઓએ યોજના હતી
ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હથિયારોનો જથ્થો ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવિન બઢ અને લાખા હુણ દ્વારા મંગાવવામાં આવ્યો હતો. આરોપીઓનો ઈરાદો એટલો ખતરનાક હતો કે જો પોલીસ તેઓની ધરપકડ કરવા આવે, તો સીધું પોલીસ પર જ ફાયરિંગ કરી નાસી છૂટવાની તેઓએ યોજના બનાવી હતી.
પોલીસે હથિયારો જપ્ત કર્યા
જોકે, સતર્ક પોલીસે આ બદ ઈરાદાને નાકામ કરી દીધો છે.પોલીસની તપાસ દરમિયાન મકાનમાંથી પોલીસે 2 દેશી હાથ બનાવટના હથિયારો, તથા 2 દેશી તમંચા, 1 દેશી હાથ બનાવટની પિસ્ટલ અને 96 જેટલા જીવતા કાર્ટીસ ઉપરાંત છરીઓ, હથિયાર સફાઈના સાધનો અને મોબાઈલ ફોન કબજે કર્યા હતા.
કોઈ પણ પ્રકારની મદદ કરવી તે ગંભીર અપરાધ
જૂનાગઢ પોલીસે જાહેર જનતાને કડક શબ્દોમાં અપીલ કરી છે કે, કોર્ટ દ્વારા જે આરોપીઓ વિરુદ્ધ વોરંટ નીકળ્યા છે, તેમને આશરો આપવો કે કોઈ પણ પ્રકારની મદદ કરવી તે ગંભીર અપરાધ છે. આવા મદદગારો વિરુદ્ધ પણ પોલીસ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરશે.
આ પણ વાંચો---- મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન શરુ, અક્ષય કુમારે કહ્યું, ડાયલોગબાજી બંધ કરીને મતદાન કરવા બહાર નિકળો