કોરોના કાળમાં રાજ્યમાં અનેક સુવિધાઓ બંધ કરાઈ હતી. જેમાં શહેરોમાં ચાલતી સિટી બસ સેવા પણ સામેલ હતી. જૂનાગઢમાં આ સમય દરમિયાન બંધ કરવામાં આવેલી સિટી બસ સેવા પાંચ વર્ષ બાદ પણ બંધ હાલતમાં છે. જે આટલા વર્ષો બાદ પણ શરૂ કરવામાં આવી નથી. જૂનાગઢ મહાનગર પાલિકાની ઘોર બેદરકારીને કારણે શહેરના લોકોને અવરજવર કરવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
સિટી બસ સેવા લાંબા સમયથી બંધ હાલતમાં
જૂનાગઢ શહેરમાં સુલભ પરિવહન માટે શરૂ કરાયેલી સિટી બસ સેવા લાંબા સમયથી બંધ હાલતમાં છે. કોરોના કાળમાં આ સેવાને બંધ કરવામાં આવી હતી. શહેરમાં વર્ષ 2002થી કાર્યરત અને વર્ષ 2004થી ખાનગી ભાગીદારીથી ચાલતી આ સેવા કોરોના કાળમાં બંધ કરવામાં આવી હતી. જે પાંચ વર્ષ બાદ પણ શરૂ કરાઈ નથી. શહેરમાં આઝાદ ચોકમાં આવેલું મહાનગર પાલિકાનું સિટી બસ સ્ટેન્ડ પણ આજે ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે. બિસ્માર બિલ્ડિંગ અને તૂટેલા બાંકડા મહાનગર પાલિકાની નિષ્ફળતાની સાક્ષી પુરી રહ્યાં છે.
લોકોને મોંઘા ભાડા ખર્ચવા મજબૂર બનવું પડ્યું
રાજ્ય સરકારે 50 જેટલી અત્યાધુનિક બસો ફાળવી દીધી હોવા છતાં મહાનગર પાલિકાનું તંત્ર માત્ર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં જ સમય પસાર કરી રહ્યું છે. ઝાંઝરડા રોડ પર નિર્માણ હેઠળના આ ચાર્જિંગ સ્ટેશનની કામગીરી પણ ગોકળગાયની ગતિએ આગળ વધતી હોવાથી લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. શહેરમાં અગાઉ આઠ રૂટ પર 9 બસો દોડતી હતી. શહેરમાં ગરીબ, મધ્યમવર્ગ અને વિદ્યાર્થીઓ માત્ર પાંચ કે દસ રૂપિયામાં જ મુસાફરી કરી શકતા હતાં. આજે તેમને તંત્રની નિષ્ફળતાને કારણે મોંઘા ભાડા ખર્ચવા મજબૂર બનવું પડ્યું છે.
આ સેવા પુનઃ શરૂ કરવાની ઉગ્ર માંગ ઉઠી
તાજેતરમાં મહાનગર પાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં વિપક્ષે સત્તાપક્ષ સામે આકરા સવાલો કર્યા હતાં. આ દરમિયાન સત્તાધિશોએ 2026માં આ બસ સેવા શરૂ કરાશે તેવા જવાબો આપ્યા હતાં. વહીવટી તંત્રની આ ઢીલી નીતિ અને શાસકોની ઉદાસીનતાને કારણે હજારો મુસાફરોની સુવિધા છીનવાઈ ગઈ છે. જો મહાનગરપાલિકા ગતિશીલ ગુજરાતની વાત કરતી હોય તો આટલા વર્ષો સુધી સામાન્ય માણસની જીવાદોરી સમાન બસ સેવા કેમ બંધ છે?તે એક ગંભીર પ્રશ્ન છે. જનતામાં વહેલી તકે આ સેવા પુનઃ શરૂ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.
આ પણ વાંચોઃ Gujarat News: રાજ્યમાં એક વર્ષમાં અકસ્માતોની સંખ્યામાં આઠ ટકાનો વધારો, વર્ષ 2025માં 108ને 1.78 લાખ કોલ મળ્યા