જૂનાગઢ શહેરના ખલીલપુર રોડ પર આવેલી ઓમ નગર અને વિશ્વાસ સિટી સોસાયટીના રહીશોએ છેલ્લા 7 મહિનાથી બિસ્માર હાલતમાં પડેલા રસ્તાથી ત્રસ્ત થઈને આજે રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોએ વોર્ડ નં. 4 ના કોર્પોરેટર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, રજૂઆત કરવા જતા તેઓ “તમે અમને મત નથી આપ્યા” તેવું કહીને વિકાસ કામો અટકાવી રહ્યા છે.
સ્થાનિક કોર્પોરેટરની નિષ્ક્રિય કામગીરી મામલે ભારે વિરોધ
આજે સવારે 11 વાગ્યે ઓમ નગર અને વિશ્વાસ સિટી સોસાયટીના રહીશોએ રોડ પર તમામ અવર જવર બંધ કરાવી હતી. મહિલાઓ અને સ્થાનિકો દ્વારા છેલ્લા ઘણા સમયથી અનેક રજૂઆત કરવા છતાં પણ રસ્તો બનાવવામાં ન આવતા લોકોમાં સ્થાનિક કોર્પોરેટરની નિષ્ક્રિય કામગીરી મામલે ભારે વિરોધ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ સાંજે 5 વાગ્યે વોર્ડમાં કોર્પોરેટર લીરીબેનના પતિ કિરીટ ભીંભા (પૂર્વ નગરસેવક) એ મુલાકાત લીધી હતી અને લોકોની સમસ્યા વિશે માહિતી મેળવી હતી. જે બાદ રહીશોને આગામી એક મહિનામાં રોડ બની જશે તેવી હૈયાધારણા આપતા રસ્તો સાંજે પૂર્વવત કરવામાં આવ્યો હતો.













