ગુજરાત સરકારની નાણાકીય અંદાજ સમિતિ દ્વારા રાજ્યના વન વિભાગની કામગીરી અને સરકારી ગ્રાન્ટના વિનિયોગની સમીક્ષા કરવા માટે ત્રણ દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ પ્રવાસમાં સમિતિએ જામનગર, દ્વારકા અને સાસણ ગીર વિસ્તારના વન વિભાગના પ્રકલ્પોની જાત મુલાકાત લીધી હતી. સમિતિએ જામનગર સ્થિત એશિયાના સૌથી મોટા વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર પૈકીના એક એવા 'વનતારા' વિભાગની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી.


સરકારી ગ્રાન્ટના યોગ્ય વપરાશની કરી તપાસ

ત્યારબાદ દ્વારકા મરીન નેશનલ પાર્ક અને બરડા અભયારણ્યમાં ચાલી રહેલા વિકાસ કામોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. સમિતિએ સાસણની મુલાકાત લઈ સિંહોના સંરક્ષણ અને પ્રવાસન સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી. આ પ્રવાસનો મુખ્ય હેતુ વન વિભાગને ફાળવવામાં આવેલી સરકારી ગ્રાન્ટનો યોગ્ય અને પારદર્શક વપરાશ થાય છે કે નહીં તે તપાસવાનો હતો. ત્રણ દિવસના સઘન નિરીક્ષણ બાદ સમિતિએ વન વિભાગની કાર્યશૈલી અને વન્યજીવ સંરક્ષણ માટેના પ્રયાસોના વખાણ કર્યા હતા. સમિતિએ એકંદરે વન વિભાગની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: