કાઠિયાવાડનો આ એક બહુ જ પ્રચલિત દુહો સમગ્ર ગુજરાતની લોકજીભે કંઠસ્થ થઈ ગયો છે. સોરઠ દેશ ન સંચર્યો, ચડયો ન ગઢ ગિરનાર ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર આ લોક જીહવા રચિત દુહો જ દામોદરકુંડની અગત્યતા અને મહત્તા વિશે ઘણું જ કહી જાય છે. જે કોઈ દામોદરકુંડે નાહ્યો ન હોય તેનો અવતાર એળે ગયો કહીને તેની અગત્યતા અને લોકજીવન સાથે ધાર્મિક રીતે તે કેટલો જોડાયેલ છે તે બતાવ્યું છે. પરંતુ જૂનાગઢના તંત્ર અને નેતાઓના પાપે આજે લાખો ભાવિકોની આસ્થા અને સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો ‘સંદેશ’ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.


મહાશિવરાત્રીનો મેળો શરુ થવા જઈ રહ્યો છે

જયારે આગામી તા.૧૧ ફેબ્રુઆરીથી ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીનો મેળો ‘મિનીકુંભ’ શરુ થવા જઈ રહ્યો છે, અને તેને લઈને તાજેતરમાં ગાંધીનગર ખાતે ડેપ્યુટી સીએમની અધ્યક્ષતાના જૂનાગઢ જિલ્લાના નેતાઓ, અધિકારીઓ, સંતો સાથે એક મહત્વની બેઠક મળી હતી, જેમાં ડેપ્યુટી સીએમએ ખાસ દામોદરકુંડની સ્વચ્છતા અને સફાઈ અંગે ટકોર કરી હતી. ત્યારે ‘સંદેશ’ ની ટીમ દ્વારા દામોદરકુંડ ખાતેથી પાણીના નમુના લઈને ગુજરાત રાજ્યના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સંચાલિત જલ ભવન ખાતેની લેબોરેટરીમાં કેમિકલ અને બેક્ટેરિયોલોજીકલ પરીક્ષણ માટે આપ્યા હતા.

ઝાડા-ઉલટી થવાની સંભાવના રહેલી છે

જે રીપોર્ટમાં આ પાણી પીવા લાયક (ચરણામૃત) તો નહી પરંતુ સ્નાન (ન્હાવા) કરવાને લાયક પણ નથી તેવું સામે આવ્યું છે, કારણ કે, પાણીમાં ૩૬ ટકા કોલીફોર્મ બેક્ટેરિયા બતાવે છે, અને ખાસ કરીને પાણીમાં ફિકલ કોલીફોર્મને લીધે આ પાણી જો કોઇપણના શરીરમાં મોઢા વાતે અંદર જાય તો, તેનાથી પાણીજન્ય રોગ એટલે પેટમાં દુખાવો થવો, કે ઝાડા-ઉલટી થવાની સંભાવના રહેલી છે. આ પાણી દુષિત થવાનું ત્યારે ખબર પડે જયારે તે એકદમ કાળુ પડી જાય છે. દામોદરકુંડમાં જે પાણી આવે છે. તે ગિરનાર પર્વત ઉપરથી વ્હેણ મારફત આવે છે, અને તેમાં વચ્ચે વચ્ચે શૌચાલયો અને ગટરના પાણી ભળતા હોવાથી એકદમ ગંદુ અને વાસ મારતું પાણી કુંડમાં પહોંચે છે.

આ પાણી ગટર જેવું હોય તેવો રિપોર્ટ : GPCB અધિકારી

જીપીસીબીના અધિકારીએ જણાવ્યું કે, રીપોર્ટ જોતા એવુ તો સ્પસ્ટ લાગે છે કે આ પાણીના રીપોર્ટથી પાણી પીવા લાયક નથી પરંતુ ન્હાવાને લાયક પણ નથી, કારણ કે, જીપીસીબીના પેરામીટર અલગ હોય છે, અને આ પાણીના પેરામીટર અલગ છે, જ્યાં એકપણ ટકા ન હોવો જોઈએ તે બેક્ટેરિયા ૩૬ ટકા બતાવે છે. જેનાથી ફિકલ બેક્ટેરિયાથી પાણીજન્ય રોગ થવાની પુરેપુરી શક્યતાઓ રહી છે.

ડેપ્યુટી CM ની ટકોરથી વહીવટી તંત્ર દોડતું થયું, સર્વે કર્યો

દામોદરકુંડની સ્વચ્છતા અને સફાઈ અંગે રાજ્યના ડેપ્યુટી સીએમએ બેઠકમાં ટકોર કર્યા પછી ગઈકાલે શનિવારે સવારે કલેકટર, મ્યુ.કમિશ્નર, ડીસીએફ, મેયર સહીતનાઓએ દામોકુંડની મુલાકાત લીધી હતી, અને અહી સર્વે કર્યો કે, પર્વત ઉપરથી આવતું પાણી કેવી રીતે ડાયવર્ટ કરવામાં આવે અને કેવી રીતે દામોકુંડમાં સ્વચ્છ પાણી સંગ્રહ કરી શકાય તે માટે દામોકુંડના ચેકડેમને ખાલી કરીને સફાઈ કરીને સ્વચ્છ પાણી ભરવા માટે સૂચનાઓ આપી છે.

દામોદરકુંડનું પાણી શા માટે બની રહ્યું છે ગંદુ ?

પવિત્ર દામોદરકુંડનું પાણી શા માટે બની રહ્યું છે, ગંદુ તે અંગે તપાસ કરવામાં આવતા એવું જાણવા મળી રહ્યું છે કે, ભવનાથ વિસ્તારમાં વર્ષોથી ડ્રેનેજ માટેના નિકાલની એકપણ વ્યવસ્થા નથી, તળેટી ઉપરાંત ગિરનાર પર્વત ઉપર પણ ગટર વ્યવસ્થા નથી, જેના પરિણામે આજ સુધી પર્વત ઉપરના વિવિધ સ્થળોના ગંદા પાણી અને શૌચાલયના પાણી વ્હેણ મારફત તળેટીમાં આવેલ પાણીના ટાંકા પાસે એક ખુલ્લા વોંકળા સમાન ગટરમાં ભળે છે, જે પાણી સીધી સોનરખ નદીમાં ભળે છે, તે પાણી આગળ વધતા દામોદરકુંડના ચેકડેમમાં આવે છે, સાથે દામોકુંડ પાસે આવેલ મનપાના શૌચાલયના દુષિત પાણીનો નિકાલની વ્યવસ્થા સીધી ચેકડેમમાં જાય છે, જેથી કુંડનું પાણી અસ્વચ્છ બને છે. હાલ મનપા દ્વારા ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તે ગટરમાં એકપણ શૌચાલયનું જોડાણ હજુ સુધી આપવામાં આવ્યું નથી. જેને લઈને દામોદરકુંડનું પાણી ગંદુ બની રહ્યું છે.

ગિરનારની ગોદમાં સ્થિત આસ્થા અને ઈતિહાસનું જીવંત સ્મારક

ઐતિહાસિક ધરોહર સમાન અને ગિરનાર પર્વતની પવિત્ર ગોદમાં સ્થિત દામોદરકુંડ માત્ર એક જળાશય નથી, પરંતુ સદીઓ પુરાણી આસ્થા અને ઈતિહાસનો અનોખો સંગમ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ કુંડનો ઈતિહાસ ભગવાન શ્રીકૃષ્ણના સમયકાળ સાથે જોડાયેલો છે અને તેનું નામ ભગવાન વિષ્ણુના ‘દામોદર’ સ્વરૂપ પરથી પડ્યું હોવાનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે. ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસમાં આ સ્થળનું મહત્વ એટલે પણ વિશેષ છે કારણ કે, ૧૫મી સદીમાં આદિકવિ નરસિંહ મહેતા રોજ પ્રત્યુષકાળે અહીં સ્નાન કરવા આવતા અને આ જ કુંડના કિનારે બેસીને તેમણે અનેક અમર પ્રભાતિયાં તથા ભક્તિપદોની રચના કરી હતી. લોકવાયકા અને ધાર્મિક મહત્વની દ્રષ્ટિએ ગંગા નદી જેટલું જ પવિત્ર ગણાતું આ સ્થળ મોક્ષદાયી મનાય છે. એવી પ્રબળ લોકમાન્યતા છે કે અહીં સ્વજનોના અસ્થિ વિસર્જન કરવાથી તે પાણીમાં કુદરતી રીતે ઓગળી જાય છે અને દિવંગત આત્માને મોક્ષ મળે છે. કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવતો દામોદરકુંડ આજે પણ દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર બની રહ્યો છે.

આ પાણીમાં સ્નાન કે પાન કરવાથી થતા ખતરા

મળના બેક્ટેરિયા સીધા પેટમાં જવાથી ટાઈફોઈડ અને કોલેરાની શક્યતા

ચામડીના રોગો: પાણીમાં રહેલી અશુદ્ધિઓથી ખંજવાળ, સોજા સુધીનું જોખમ રહે

પાણીમાં હાર્ડનેસ અને કેલ્શિયમનું પ્રમાણ ડબલ હોવાથી પથરી થવાની શક્યતા

દૂષિત પાણીમાં ડૂબકી મારવાથી આંખોમાં બળતરા અને ગંભીર ઈન્ફેક્શન થઈ શકે


આ પણ વાંચોઃ SurendraNagar News: વહેલી સવારે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ED ત્રાટકી, બેનામી સંપત્તિનો ખુલાસો થવાની શક્યતા

  • Follow us on: