જૂનાગઢ જિલ્લામાં વન્યજીવોના રહેણાંક વિસ્તારમાં આવી ચઢવાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે માણાવદર તાલુકાના કોડવાવ ગામમાં એક દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. શિકારની શોધમાં અથવા અંધારામાં અજાણતા આ દીપડો કૂવામાં પડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


માણાવદરના કોડવાવમાં કૂવામાં પડ્યો દીપડો

કોડવાવ ગામની સીમમાં આવેલા એક ખેતરના ખુલ્લા કૂવામાંથી દીપડાના ગર્જના કરવાનો અવાજ આવતા સ્થાનિક ખેડૂતો એકઠા થઈ ગયા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે અંદાજે 40 થી 50 ફૂટ ઊંડા કૂવામાં એક કદાવર દીપડો ફસાયેલો છે. વન વિભાગની ટીમ પાંજરા અને રેસ્ક્યુના સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વનકર્મીઓએ અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ દીપડાને પાંજરામાં કેદ કરી કૂવાની બહાર કાઢવામાં આવ્યો હતો.

વન વિભાગ દ્વારા દીપડાનું કરાયું રેસ્ક્યુ

સદનસીબે, રેસ્ક્યુ દરમિયાન દીપડાને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. આ ઘટનાએ ફરી એકવાર ખેતરોમાં આવેલા ખુલ્લા કૂવાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવ્યા છે. વન વિભાગ દ્વારા દીપડાને પ્રાથમિક સારવાર આપીને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે અને ત્યારબાદ તેને ફરીથી કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે. વન વિભાગે ખેડૂતોને પોતાના કૂવા ફરતે ફેન્સિંગ અથવા જાળી લગાવવા અપીલ કરી છે જેથી આવા અકસ્માતો નિવારી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: