ગિરનાર રોપ-વેમાં ઉષા બ્રેકો કંપનીના લોઅર સ્ટેશનમાં આજે સાંજે અચાનક ભાગદોડ મચી ગયાનો મેસેજ ડીઝાસ્ટર કંટ્રોલ રૂમને મળ્યાના 10 મિનીટમાં એનડીઆરએફ, પોલીસ, ફોરેસ્ટ, આરોગ્ય, ફાયર સહિતની ટીમો દોડી આવી અને પરિસરમાં બેભાન હાલતમાં પડેલા નવ પર્યટકો અને કર્મચારીઓનું 15 મિનીટમાં પ્રાથમિક સારવાર આપીને રેક્સ્યું કર્યું હતું.જો કે આ સમગ્ર ઘટના એક મોકડ્રીલ હોવાનું તંત્રએ અંતમાં જાહેર કર્યું હતું.


અનેક પર્યટકો બેભાન થયાનો કોલ મળ્યો

જૂનાગઢ ડિઝાસ્ટર વિભાગના ઇન્ચાર્જ મામલતદાર મહેશકુમાર દવેએ જણાવ્યું કે,આજે સાંજે ૫.૨૦ કલાકે ભવનાથમાં ગિરનાર રોપ-વે ખાતે ઉષા બ્રેકો કંપનીના લોઅર સ્ટેશન ખાતે ભાગદોડ મચી હોવાનું અને અનેક પર્યટકો બેભાન થયાનો કોલ મળ્યો હતો, જેને લઈને ડિઝાસ્ટરની ટીમો સાથે એનડીઆરએફની ટુકડી, પોલીસ, ફોરેસ્ટ, આરોગ્ય વિભાગની ટીમો માત્ર ૧૦ મિનીટમાં રોપ-વે ખાતે પહોંચી ગયેલ હતી. અને એલર્ટ એલાર્મ વગાડીને રેસ્ક્યુ શરુ કર્યું હતું.

નવ જેટલા પર્યટકો અને કર્મચારીઓને બચાવી લેવાયા

અહી રોપ-વેના લોઅર સ્ટેશન ખાતે રોપ-વેની ટ્રોલી અને અમુક પરિસર વિસ્તારમાં કેટલાક પર્યટકો અને રોપ-વે ના કર્મચારીઓ બેભાન હાલતમાં પડ્યા હતા. ત્વરિત રેસ્ક્યુ ટીમ અને આરોગ્યની ટીમોએ તમામ લોકોને બહાર કાઢીને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમુક પ્રવાસીઓ ટ્રોલીમાં જ બેભાન થયા હતા. અને અમુક રોપ-વે પરિસરમાં પડ્યા હતા. આમ માત્ર ૧૫ મિનીટમાં કુલ નવ જેટલા પર્યટકો અને કર્મચારીઓને બચાવી લેવામાં આવ્યા હતા.

એનડીઆરએફની ટીમ અને તેમના સાધનો સાથે પહોંચી

આ રેસ્ક્યુ કામગીરી દરમિયાન એનડીઆરએફની ટીમ અને તેમના સાધનો સાથે પહોંચી હતી, સૌ સ્ટાફે માસ્ક પહેર્યા હતા. અને સફળતા પૂર્વક રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. અને સાંજે ૫.૪૫ કલાકે પૂર્ણ થયેલ હતી, ખરેખર આખુયે ઓપરેશન એક મોકડ્રીલ હોવાનું અંતમાં મામલતદારે જણાવ્યું અને કહ્યું કે, એનડીઆરએફની ટીમને નિયમ અનુસાર વર્ષમાં બે વખત આવી મોકડ્રીલ કરવાની હોય છે, જે અંતર્ગત આજે ગિરનાર રોપ-વે ખાતે મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં તમામ વિભાગે ત્વરિત રિસ્પોન્સ આપ્યો હતો.


આ પણ વાંચોઃ Rajkot News: ચર્ચાસ્પદ બનેલા રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાશે, કોર્ટે પોલીસને મંજૂરી આપી

  • Follow us on: