જૂનાગઢના માંગરોળ તાલુકાના બામણવાડા ગામમાં એક શિક્ષકે શિસ્તના નામે માનવતાની હદ વટાવી દીધી છે. શાળામાં અભ્યાસ કરતા માત્ર 13 વર્ષના નિર્દોષ વિદ્યાર્થીને શિક્ષકે એટલી બેરહેમીથી માર માર્યો કે વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. સામાન્ય બાબતે ઉશ્કેરાઈને શિક્ષકે લીધેલા આ આકરા પગલાથી સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને નિર્દયતાથી માર્યો
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ વિદ્યાર્થીના વાલીઓ અને ગ્રામજનો શાળાએ ઉમટી પડ્યા હતા. વાલીઓનો આક્ષેપ છે કે નાની અમથી ભૂલ માટે માસૂમ બાળકને આટલી હદે મારવો તે અસ્વીકાર્ય છે. આ મામલે ગામના લોકોમાં ભારે રોષ છે અને તેઓ જવાબદાર શિક્ષક વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.













