જૂનાગઢના વંથલી પાસેથી પસાર થતી ઓજત નદીમાં આજે એક યુવકની લાશ તરતી હોવાની જાણ થતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. નદીના પાણીમાં મૃતદેહ જોઈને સ્થાનિક રહીશોએ તાત્કાલિક વંથલી પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકનું મોત નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી થયું હોવાની આશંકા સેવાઈ રહી છે, જોકે સત્ય પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવશે.
તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢયો
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. જેમણે ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કાઢ્યો હતો. આ ઘટનાને પગલે ઓજત નદીના પુલ ઉપરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે પુલ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.













