જૂનાગઢ જિલ્લાના જામકા ગામના એક યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવાન ઘરેથી મજૂરીકામ માટે જવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ રસ્તામાં તેનો શંકાસ્પદ અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી હતી. ગંભીર હાલતમાં યુવાનને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડ્યો હતો. યુવાનના અકાળે અવસાનથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
રસ્તામાં શંકાસ્પદ અકસ્માત થતા સર્જાયો વિવાદ
આ ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પરિવારજનોએ યુવાનના શરીર પર, ખાસ કરીને ગુપ્ત ભાગોમાં ઈજાના ગંભીર નિશાન જોયા હતા. પરિવારનો આક્ષેપ છે કે આ માત્ર માર્ગ અકસ્માત નથી પરંતુ કોઈના દ્વારા કરવામાં આવેલી પૂર્વ આયોજિત હત્યા છે. અકસ્માતની આડમાં યુવાનને નિર્મમ રીતે માર મારવામાં આવ્યો હોવાની શંકા સાથે પરિવારે ન્યાયની માંગ કરી છે. ઈજાના નિશાનો અને ઘટનાસ્થળની સ્થિતિ જોતા આ મામલો વધુ ગૂંચવાયો છે, જેના કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.













