આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. ઠેર ઠેર શિવાલયોમાં ભગવાન શંકરની પૂજા અર્ચના થઈ રહી છે. ત્યારે ગુજરાતના જૂનાગઢમાં પણ સ્વયંભૂ ગણાતા ભવનાથ મહાદેવના દર્શનાર્થે હજારોની જનમેદની ઉમટી પડી છે. સમગ્ર ભવનાથમાં હર હર મહાદેવનો નાદ ગૂંજી રહ્યો છે. આજે ભવનાથમાં નાગા સાધુઓની શાહી રવેડી નીકળશે. જે મધ્ય રાત્રીએ પૂર્ણ થશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભવનાથ પહોંચીને ભગવાન શિવના દર્શન કર્યા હતાં. તેમણે સાધુ સંતો સાથે મુલાકાત લઈને આશિર્વાદ પણ મેળવ્યા હતાં.
નાગા સન્યાસીઓ જોડાયા રવાડીમાં
જૂનાગઢમાં નાગા સાધુઓની રવેડીનો જૂના અખાડાથી પ્રારંભ થયટો છે. નાગા સંન્યાસીઓ રવેડીમાં જોડાયા છે. જેમાં સાધુઓએ અનેક પ્રકારના કરતબ કર્યાં છે. રવેડી જોવા માટે આવેલા શ્રદ્ધાળુઓ કરતબ નીહાળી મંત્રમુગ્ધ થયાં છે. આ રવેડી યાત્રા બાદ સાધુ સંતો મૃગી કૂંડમાં સ્નાન કરશે. શાહી સ્નાન બાદ ભવનાથ મંદિરમાં મહા આરતી યોજાશે.













