સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત એવો ગિરનારની તળેટીમાં આગામી તા.૧૧ ફેબ્રુઆરીથી યોજાનાર પાંચ દિવસીય મહાશિવરાત્રીના મેળાને લઈને આજે મોડી રાતે ગાંધીનગર ખાતે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક મળી હતી, જેમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં યોજાનાર શિવરાત્રી મેળાને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવા રાજ્ય સરકારે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રને ખાતરી આપી છે, અને તૈયારીઓ શરુ કરી દેવા જણાવી દેવામાં આવ્યું છે.


 મહાશિવરાત્રીના મેળાને લઈને તડામાર તૈયારીઓ

છેલ્લા કેટલાક દિવસોથી જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે, જેના ભાગરૂપે ભવનાથમાં દબાણો દુર કરવા અને ભવનાથ મંદિર પાસે અને તે વિસ્તારમાં પાર્કિંગ ખુલ્લા કરવા સહિતની કામગીરી શરુ કરી દેવામાં આવી છે, ગઈકાલે જિલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાએ સાધુ-સંતો સાથે પણ બેઠક કરી હતી, અને આજે મેળાની તૈયારીને લઈને ગાંધીનગર ખાતે બેઠક યોજવામાં આવી હતી.




 મીની કુંભ તરીકે મેળાનું આયોજન કરવામાં આવશે

જેમાં કલેકટર, કમિશ્નર, ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ, સહિતના પદાધિકારીઓ અને સંતો જેમાં મહાદેવગીરી બાપુ, મહેશગીરી બાપુ સહિતના સંતો હાજર રહ્યા હતા. જે બેઠક આજે મોડી રાતે ૯ કલાકે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં સરકાર તરફથી તેઓએ મેળાને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવા જે કાઈ પણ મદદની જરૂર પડે તેવી ખાતરી આપી હતી. આ વખતે મીની કુંભ તરીકે મેળાનું આયોજન કરવામાં આવશે.

 દોઢ કિલોમીટરનો રવેડી રૂટ હોય છે, તેને વધારવામાં આવે

બેઠકમાં હાજર શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયાએ જણાવ્યું કે, ખાસ કરીને મહાશિવરાત્રીના મેળામાં રવેડીનું મહત્વ હોય છે, જેમાં દોઢ કિલોમીટરનો રવેડી રૂટ હોય છે, તેને વધારવામાં આવે તેવી વાત કરવામાં આવી છે, જેના પરિણામે આવનાર ભાવિકો વધુને વધુ રવેડીના દર્શન કરી શકે, અને તેના માટેનું આયોજન આગાઉથી તંત્ર દ્વારા શરુ કરી દેવામાં આવ્યું છે. રવેડીના રુટ ઉપર પેશકદમીને દુર કરવાની કામગીરી કરવામાં આવી છે. સાથે શિવરાત્રી મેળાને ભવ્ય રીતે ઉજવવા આયોજન થઈ રહ્યું છે.



ઇકો-ઝોનને લઈને પ્રથમ વખત ઈ-બસનો ઉપયોગ થશે

જૂનાગઢ : ગિરનાર અભ્યારણ્ય વિસ્તાર ઇકો સેન્સેટીવ ઝોન હોવાને લઈને છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ ના વધે તેવા પગલા લેવામાં આવી રહ્યા છે, પરંતુ આ વખતે પ્રથમ વખત ઈ-બસનું સંચાલન કરવામાં આવશે, સામાન્ય રીતે દરવર્ષે એસટી બસ સ્ટેન્ડથી ભવનાથ સુધીમાં મીની એસટી બસ મુકવામાં આવતી હતી, પરંતુ આ વખતે ભવનાથ જવા માટે ઈ-બસનું સંચાલન કરવામાં આવશે.

મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભરમાંથી સેલેબ્રીટી આવશે

જૂનાગઢ : છેલ્લે ૨૦૧૯ માં જે રીતે લઘુ કુંભ તરીકે ઉજવાયેલ મહાશિવરાત્રીના મેળામાં કલાકાર કૈલાસ ખેર આવ્યા હતા, તે રીતે પાંચ વર્ષ પછી મીની કુંભ તરીકે ઉજવવામાં આવનાર મહાશિવરાત્રીના મેળામાં આ વર્ષે સમગ્ર દેશમાંથી ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યર્કમનું આયોજન કરવામાં આવશે. જેમાં સ્થાનિક લોકલ કલાકારોના પણ કાર્યક્રમો યોજવામાં આવશેમ, તેવું ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું.

દામોદરકુંડની કાયમી સફાઈ મુદ્દે ડે.સીએમએ ટકોર કરી

 રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ કરીને દામોદર કુંડની સ્વચ્છતા અંગે તંત્રને ટકોર કરી હતી, આ અંગે ધારાસભ્યએ જણાવ્યું કે, ખાસ કરીને શિવરાત્રીના મેળામાં સ્વચ્છતાને લઈને ખાસ તકેદારી રાખવા સુચના આપવામાં આવી છે. અને તેમાય દામોદરકુંડમાં ભાવિકો આસ્થા સાથે સ્નાન કરતા હોય છે, તે સ્થળ ઉપર સ્વચ્છતા જળવાય તેવી વાત કરી હતી.


આ પણ વાંચો----  Gujarat Flashback 2025 : બોમ્બની ધમકીનો સિલસિલો અને પકડાઇ એવી ટેકનોક્રેટ મહિલા જેણે પ્રેમનો બદલો લેવા મચાવ્યો હતો હાહાકાર


  • Follow us on: