ગિરનાર જંગલની સાવ નજીક વસેલું જૂનાગઢ શહેર હાલ વન્ય પ્રાણીઓનું નવું વસવાટ સ્થળ બની રહ્યાની ઘટનાઓ દિનપ્રતિદિન સામે આવી રહી છે, જેમ આજે સાંજે એક એવી ઘટના બની જેમાં રહેણાંક વિસ્તાર એવા ખલીલપુર રોડ ઉપર સમીસાંજે શેરીમાં મહિલાઓ ઘરની બહાર બેઠી હતી તે સમયે અચાનક બે દીપડાઓ શેરીનો રોડ ક્રોસ કરતા હોય તેવી ઘટનાએ સમગ્ર શહેર જોશીપરા વિસ્તાર અને શહેરમાં ફફડાટ ફેલાવ્યો છે.
ઢળતી સાંજે ૭.૪૫ કલાકે બે દિપડા આવી ચડ્યા
જૂનાગઢમાં જોશીપરા વિસ્તારમાં ખલીલપુર રોડ ઉપર રહેતા ડો.પંકજ ભટ્ટએ સમગ્ર હકીકત મામલે જણાવ્યું કે, આજે તેઓ બહાર હતા, પરંતુ સાંજના સમયે જયારે તેમના વિસ્તાર ખલીલપુર રોડ ઉપર ખોડલધામ ટાઉનશીપ મંદિર પાસે અમુક બહેનો ઘરની બહાર શેરીમાં બેઠી હતી, તે સમયે અચાનક અંધારામાં ઢળતી સાંજે ૭.૪૫ કલાકે બે દિપડા આવી ચડ્યા હતા, અને બને દીપડાઓ રોડ ક્રોસ કરીને રહેણાંક વિસ્તારની શેરી ક્રોસ કરીને આગલી શેરીમાં જતા રહ્યા હતા.
મહિલાઓમાં દોડધામ મચી
તે દ્રશ્ય જોઇને શેરીમાં બેઠેલ મહિલાઓમાં દોડધામ મચી હતી, અને દીપડાઓ અંદર જતા રહ્યા હતા, આ અંગે જયારે વનવિભાગના રેંજ ફોરેસ્ટ ઓફિસર અરવિંદ ભાલીયાએ જણાવ્યું કે, ઘટનાના મેસેજ મળતાની સાથે જ વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે, અને જે સ્થળે દીપડા હોવાની હકીકત મળી રહી છે, ત્યાં દીપડાના સગડ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ જે રીતે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં સ્પસ્ટ રીતે દેખાઈ નથી રહ્યું કે દીપડા જ હોય શકે, તેમ છતાં વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
અગાઉ જોશીપરામાં સરદારપરામાં સિંહ આવી ગયા હતા
તો બીજી તરફ સ્થાનિક રહેવાસીઓના જણાવ્યું અનુસાર આ અગાઉ જોશીપરામાં સરદારપરામાં સિંહ આવી ગયા હતા, અને તેમ સમયને આજે વધુ સમય પણ નથી થયો, ત્યા આજે દીપડા આવી ચડ્યા હોવાની ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. સામાન્ય રીતે ગિરનાર જંગલમાંથી અવાર નવાર સિંહ અને દીપડાની અવર જવર શહેરી વીસ્તારમ રહે છે. ત્યારે એ જોવાનું રહ્યું કે, આ ઘટનાએ ફરી ભૂતકાળની યાદો તાજી કરી છે.
આ પણ વાંચો--- Gujarat Flashback 2025 : બોમ્બની ધમકીનો સિલસિલો અને પકડાઇ એવી ટેકનોક્રેટ મહિલા જેણે પ્રેમનો બદલો લેવા મચાવ્યો હતો હાહાકાર