જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની પુરબહારમાં સિઝન શરુ થયેલ છે, ગઈકાલે એક જ દિવસમાં કેરીના 10 હજાર બોક્સની આવક થતા ભાવમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં જેમ જેમ આવક વધશે તેમ ભાવમાં ઘટાડો થવાની વેપારીઓએ આશા વ્યક્ત કરી છે. ઓણસાલ માવઠાંથી કેરીના પાકને 20 ટકા નુકશાન થયું છે. તેમ છતાં કેરીની આવક મબલખ રહેવાની ધારણા છે.
કેરીના પાક ઉપર માવઠાની 20 ટકા અસર રહી
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના કેસર કેરીના હોલસેલ વેપારી અદ્રેમાન પંજાએ જણાવ્યું કે, યાર્ડમાં કેસર કેરીના 10 હજાર બોક્સની આવક નોંધાઈ છે.કેરીના 10 કિલોના બોક્સના 800 થી 1100 રૂપિયા ભાવ રહ્યા હતા. અગાઉ જયારે કેરીની ધીમી આવત હતી ત્યારે કેરીના બોક્સ 1500 થી 2000 સુધી વેચાયા હતા.પરંતુ હવે ધીમે ધીમે આવક વધી છે અને આગામી દિવસોમાં 10 હજાર કરતા વધુ બોક્સની આવક થશે. ત્યારે કેરીના ભાવ હજુ ઘટવાની સંભાવના છે.આ વર્ષે કેસર કેરીના પાક ઉપર માવઠાની 20 ટકા અસર રહી છે છતાં કેરીની આવક યથાવત રહેશે.












