જૂનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં પારિવારિક વિખવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. છૂટાછેડાની અદાવત રાખીને એક શખ્સે રાત્રિના સમયે સસરાના ઘરમાં ઘૂસીને પોતાની પત્ની, સાસુ અને સસરા પર છરી વડે ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ઘરમાં ઘૂસીને આચર્યો લોહિયાળ કાંડ
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી પતિ અને તેની પત્ની વચ્ચે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી હતી, જેની અદાવત પતિના મનમાં હતી. ગત મોડી રાત્રે જ્યારે પત્ની તેના પિયરમાં હતી, ત્યારે આરોપીએ છૂપી રીતે ઘરમાં પ્રવેશ કર્યો હતો. કાંઈ પણ સમજાય તે પહેલા જ તેણે પત્ની પર છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે તેને બચાવવા માટે સાસુ અને સસરા વચ્ચે પડ્યા, ત્યારે ઉશ્કેરાયેલા પતિએ તેમને પણ છરીના ઘા ઝીંકી દીધા હતા.













