જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલી ગેસ એજન્સી પર આજે વહેલી સવારથી જ ગ્રાહકોની અભૂતપૂર્વ ભીડ ઉમટી પડી હતી. ગેસ સિલિન્ડર નોંધાવવા માટે લોકોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળી હતી. ગેસ વિતરણની વ્યવસ્થા ખોરવાતા અને કલાકો સુધી ઉભા રહેવા છતાં કામ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ વણસતા અને લોકોનો આક્રોશ વધતા એજન્સી ખાતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાત્કાલિક પોલીસ બંદોબસ્ત તૈનાત કરવાની ફરજ પડી હતી.


નિયમો અને વધતા ભાવથી લોકોમાં રોષ

ગ્રાહકોની મુખ્ય ફરિયાદ ગેસ નોંધણી માટેની ઓનલાઈન પ્રક્રિયામાં ચાલતા ધાંધિયા અંગેની છે. સર્વર ડાઉન રહેવા અથવા ટેકનિકલ ખામીઓને કારણે લોકોના ફોર્મ સ્વીકારવામાં આવતા નથી, જેના કારણે સામાન્ય જનતાને વારંવાર એજન્સીના ધક્કા ખાવા પડી રહ્યા છે. એક તરફ રાંધણ ગેસના વધતા જતા ભાવ અને બીજી તરફ કડક નિયમોને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પીસાઈ રહ્યા છે. ખાસ કરીને સંયુક્ત પરિવારોમાં ગેસની વધુ જરૂરિયાત હોવા છતાં પૂરતો પુરવઠો ન મળતા ગૃહિણીઓને રસોઈ બનાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સંયુક્ત પરિવારોમાં ગેસની અછતથી હાલાકી

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા નવા નિયમો લાદવામાં આવ્યા છે પરંતુ પૂરતી સુવિધા આપવામાં આવતી નથી. ઓનલાઈન સિસ્ટમમાં રહેલી ક્ષતિઓને કારણે વયોવૃદ્ધ નાગરિકોને પણ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. માંગરોળની જનતામાં ગેસ એજન્સીની કામગીરી અને તંત્રની ઉદાસીનતા સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકો હવે એવી માંગ કરી રહ્યા છે કે ગેસ વિતરણની પ્રક્રિયા સરળ બનાવવામાં આવે અને ઓનલાઈન સિસ્ટમની ખામીઓ વહેલી તકે દૂર કરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: