જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાખવા ગામે આજે એક ખેતરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખેતરમાં રહેલા ઘાસચારા અને પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટનામાં આગ બુઝાવવા જતાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હોવાનું સામે આવ્યું છે.


વિકરાળ જ્વાળાઓ અને જનતાની મથામણ

ખેતરમાં લાગેલી આગ એટલી પ્રચંડ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક ગ્રામજનોએ માનવતા દાખવી પોતાના જીવના જોખમે પાણી અને માટીનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવવા ભારે મથામણ કરી હતી. જોકે, પવનને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ રહી હતી.

ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો

આગની ઝપેટમાં આવી જવાથી એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે માંગરોળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ માંગરોળ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી.

તપાસ તેજ

ખેતરમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. હાલ તો પોલીસે આ મામલે પંચનામું કરી આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Junagadhમાં ખાણ ખનીજ વિભાગના દરોડા, માંગરોળમાં 9 ગેરકાયદે ખાણો પર તંત્ર ત્રાટક્યું


  • Follow us on: