મુસાફરોની સુરક્ષા સાથે ચેડાં કરનારા કર્મચારીઓ સામે ગુજરાત એસટી નિગમે લાલ આંખ કરી છે. જૂનાગઢ-વિસાવદર રૂટ પર ચાલુ બસે મોબાઈલ ફોન પર વાતચીત કરી રહેલા ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયા બાદ, વિભાગીય નિયામક દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમાં ગંભીર બેદરકારી બદલ ડ્રાઈવર દિલીપ કોટીલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની મળતી માહિતી અનુસાર, બે દિવસ પહેલા જૂનાગઢથી વિસાવદર જતી એસટી બસમાં ડ્રાઈવર દિલીપ કોટીલા બસ ચલાવતી વખતે સતત મોબાઈલ ફોન પર વ્યસ્ત હતા. એક તરફ રસ્તો અને બીજી તરફ મોબાઈલમાં વાતચીત, ડ્રાઈવરની આ જોખમી હરકત જોઈને બસમાં બેઠેલા મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. કોઈ જાગૃત મુસાફરે આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કરી લીધો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.













