જૂનાગઢમાં મજાક મજાકમાં મિત્ર એ જ મિત્રની ક્રૂર હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. ગરવા ગિરનારની ગોદમાં મિત્રતાને કલંકિત કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય મજાક-મસ્તીએ ખૂની ખેલનું સ્વરૂપ ધારણ કર્યું છે.


મિત્રે પોતાના જ અંગત મિત્ર પર છરીના ઘા ઝીંકી દીધા

જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં ગત 1 માર્ચની રાત્રિએ માત્ર સામાન્ય બોલાચાલી અને ગાળાગાળીમાં ઉશ્કેરાયેલા એક નરાધમ મિત્રે પોતાના જ અંગત મિત્ર પર છરીના ઘા ઝીંકી તેને મોતના ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે..

પાંચ મિત્રો બેસીને વાતચીત કરતા હતા

જામકા ગામનો 19 વર્ષીય યુવાન રાશિશ ઉર્ફે ભયુ હરસુખભાઈ સોલંકી પોતાના ઘરેથી બહેનને બોટાદ લાઈવ ડેકોરેશનના કામે જવાનું કહી નીકળ્યો હતો. રસ્તામાં તે વિસાવદર ખાતે રહેતા તેના સગા રવિ સોલંકીના ઘરે પહોંચ્યો અને ત્યાંથી બંને મિત્રો ઇકો ગાડી લઈને જૂનાગઢ આવ્યા હતા. ઇસ્કોન ચોકડી પાસે અન્ય મિત્રો મીત સોલંકી, રોનક ચૌધરી અને હર્ષદ સોલંકી સાથે મેળાપ થયા બાદ પાંચેય મિત્રો કડિયાવાડના વૃંદાવન એપાર્ટમેન્ટ પાસે બેસી વાતો કરી રહ્યા હતા.

રાશિશ અને આરોપી રોનક ચૌધરી વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ

રાત્રિના સમયે હસી-મજાક ચાલી રહી હતી ત્યારે અચાનક રાશિશ અને આરોપી રોનક ચૌધરી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ પકડી ગઈ અને રોનક ઉશ્કેરાઈ ગયો હતો. આવેશમાં આવી ગયેલા રોનકે પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી રાશિશ પર જીવલેણ હુમલો કરી દીધો હતો.

રાશિશને સારવાર માટે ખસેડાયો

લોહીલુહાણ હાલતમાં પડેલા મિત્રને જોઈ અન્ય મિત્રો ગભરાઈ ગયા ત્યારે આરોપીએ ધમકી આપી હતી કે, "જો આ વાત કોઈને કહેશો તો તમામને તકલીફ પડશે.ઘટના બાદ ઈજાગ્રસ્ત રાશિશને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ગંભીર હાલતમાં રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ આ 19 વર્ષીય યુવાને દમ તોડ્યો હતો. પરિવારને શરૂઆતમાં માત્ર 'લાગી ગયું છે' તેમ કહી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ થયો હતો. જોકે, પોલીસે ઊંડી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં મજૂરી કામ કરતા હત્યારા રોનક ચૌધરીની ધરપકડ કરી લીધી છે.

પોલીસ તપાસ શરુ

હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે, પરંતુ એક ક્ષણિક આવેશે એક નિર્દોષ યુવાનનો ભોગ લીધો અને બીજાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.



આ પણ વાંચો-----     Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો

  • Follow us on: