પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે એક નવો જ ઇતિહાસ રચાયો છે. રાજાધિરાજ ભગવાન રણછોડરાયના દર્શન કરવા માટે ડાકોર નગરીમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. વેકેશનનો અંતિમ રવિવાર હોવા ઉપરાંત પવિત્ર અક્ષર પુરુષોત્તમ માસ (અધિક માસ) ચાલતો હોવાના કારણે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર પહોંચ્યા છે. ભક્તોના ભારે ધસારાને કારણે સમગ્ર ડાકોરના તમામ માર્ગો પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ છે.
ડાકોરને જોડતા તમામ રસ્તાઓ પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ
ડાકોર તરફ આવતા તમામ મુખ્ય હાઈવે અને સ્ટેટ હાઈવે વાહનોની કતારોથી ઉભરાઈ ગયા છે. ડાકોર-ઠાસરા રોડ, ઉમરેઠ રોડ, કપડવંજ રોડ અને મહુધા રોડ પર વાહનોની ગતિ થંભી ગઈ છે અને મુખ્ય માર્ગો પર અંદાજે 5 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ દ્રશ્યમાન થઈ રહ્યો છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે, વાહનચાલકો હાઈવે છોડીને કેનાલના રસ્તાઓ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે કેનાલના સાંકડા રસ્તાઓ પણ વાહનોથી છલકાઈ ગયા છે.
ગલીઓ પણ ભક્તોથી ઉભરાઈ, ગળતેશ્વરમાં પણ પગ મૂકવાની જગ્યા નથી
માત્ર હાઈવે જ નહીં, પણ ડાકોર શહેરની અંદરની નાની-મોટી તમામ ગલીઓ પણ માનવ મહેરામણમાં તબદીલ થઈ ગઈ છે. જ્યાં નજર નાખો ત્યાં માત્ર શ્રદ્ધાળુઓનું જ માથું દેખાઈ રહ્યું છે. આ સિવાય ડાકોરની નજીક આવેલા પ્રખ્યાત પર્યટન અને ધાર્મિક સ્થળ 'ગળતેશ્વર' સંગમ સ્થળ પર પણ હજારો લોકો ઉમટી પડતાં ત્યાં પણ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.
પોલીસ બંદોબસ્ત ટૂંકો પડતાં વાહનચાલકો ભારે પરેશાન
અચાનક લાખોની સંખ્યામાં વાહનો અને માણસો રસ્તા પર ઉતરી આવતા સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસના તમામ ગણિતો ઊંધા વળી ગયા છે. અહીં તૈનાત કરવામાં આવેલો પોલીસ બંદોબસ્ત ટ્રાફિક નિયમન માટે ઓછો પડી રહ્યો છે. પોલીસ જવાનો ટ્રાફિક હળવો કરવા ભારે મથામણ કરી રહ્યા છે, પરંતુ વાહનોના સતત ધસારા સામે વ્યવસ્થા લાચાર સાબિત થઈ રહી છે. કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેવાના કારણે નાના બાળકો અને વડીલો સાથે મુસાફરી કરતા વાહનચાલકો અને દર્શનાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો - Kheda: કેનાલમાં પાણી આવ્યું જ નહીં ખેડૂતોની આશા ઠગારી નીવડી