કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં આજે ખન્ના માર્કેટ વિસ્તારમાં આગ લાગવાનો ગંભીર બનાવ બન્યો છે. ખન્ના માર્કેટમાં આવેલી 'અમરપૂજા ફ્રૂટ શોપ' નામની દુકાનની પાછળના ભાગમાં આવેલા ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં માર્કેટમાં નાસભાગ મચી ગઈ હતી. આગ એટલી તીવ્ર હતી કે જોતજોતામાં આગના ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા.
ફાયર બ્રિગેડે આગ બુઝાવવાની કવાયત
ગોડાઉનમાં મોટી માત્રામાં ફળફળાદીનો માલસામાન અને અન્ય વસ્તુઓ હોવાથી નુકસાનનો અંદાજ લાખોમાં હોવાની સંભાવના છે. ઘટનાની જાણ થતાં જ ગાંધીધામ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગને અન્ય દુકાનોમાં ફેલાતી અટકાવવા માટે ઝડપી અને સઘન આગ બુઝાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે. વેપારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાની કામગીરીને ટેકો આપ્યો હતો.













