અખિલ કચ્છ મેઘવાળ સમાજે હાલમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR નિયમો હેઠળ) દરમિયાન મતદારોના નામ સાથે દર્શાવવામાં આવતા ગેરબંધારણીય 'હરિજન' શબ્દને તાત્કાલિક અસરથી દૂર કરવાની માંગ સાથે ભુજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું છે. સમાજ અગ્રણી નરેશ મહેશ્વરીના નેતૃત્વ હેઠળ કરાયેલી આ રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, સુપ્રીમ કોર્ટે આ શબ્દને ગેરબંધારણીય જાહેર કર્યો છે અને સરકારે પણ વિવિધ પરિપત્રો દ્વારા તેને કોઈપણ સરકારી રેકોર્ડમાંથી દૂર કરવા સૂચના આપી છે.
ગેરબંધારણીય શબ્દ દૂર કરવા માંગ
ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારોની ઘણી મતદાર યાદીઓમાં લોકોની અટક કે જાતિ તરીકે હજુ પણ 'હરિજન' શબ્દ જોવા મળે છે. આવેદનપત્રમાં સમાજે માંગણી કરી છે કે, અજ્ઞાનતા કે ભૂલથી જે મતદાર યાદીઓમાં 'હરિજન' અટક છપાઈ છે, ત્યાં BLO (બૂથ લેવલ ઓફિસર) મારફતે મૂળ અટક અથવા જાતિ સાથે 'હરિજન' શબ્દને કાઢી નાખી સુધારણા કરવામાં આવે. આ મામલે કલેક્ટરશ્રી તાબાના તમામ અધિકારીઓ અને BLOs ને તાત્કાલિક સૂચનાઓ આપીને નવી મતદાર યાદીમાં આ ભૂલ સુધરાવે તેવી વિનંતી કરવામાં આવી હતી. આ રજૂઆત દરમિયાન એડવોકેટ વાલજીભાઈ મહેશ્વરી, રમણિક ગરવા સહિતના અનેક આગેવાનો અને દલિત કાર્યકરો જોડાયા હતા.













