કચ્છમાં ખનિજ ચોરીનાં વધતાં પ્રમાણને ડામવા માટે કલેક્ટર દ્વારા આઠ અધિકારીઓની એક ખાસ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તા. ૧૫-૧૧-૨૦૨૫થી ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા ગેરકાયદે ખનન, વહન ઉપર ત્રાટકવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ટીમ દ્વારા જિલ્લાનાં પાંચ તાલુકાઓમાં ૨૧ વાર ઓચિંતા ચેકિંગની કામગીરી હાથ ધરીને ૨૮૨૮.૬૯૩ મે.ટન જેટલો ખનિજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહીને પગલે રૂ.૧૭.૧૦ લાખની વસૂલાત કરવામાં આવતાં ખનિજ ચોરોની ઊંઘ હરામ થઇ જવા પામી છે. આ ૨૧ કેસો પૈકી હાલે વિવિધ ૮ કેસમાં કાર્યવાહી ચાલુમાં છે.


એક ખાસ ટાસ્ક ફોર્સની રચના

આ બાબતે પુરવઠા અધિકારી અર્ષ હાસમીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ખનિજ ચોરીનાં દૂષણને ડામવા માટે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા એક ખાસ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તા. ૧૫-૧૧-૨૦૨૫નાં સ્ટાક ફોર્સ અસ્તિત્વમાં આવ્યું હતું, જેમાં વિવિધ વિભાગોનાં આઠ જેટલા અધિકારીઓનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કલેક્ટરને ખનિજ ચોરી સબબ કોઇપણ ફરિયાદ કે રજૂઆત મળે ત્યારે તુરંત ટાસ્ક ફોર્સને એક્ટિવ કરી દેવામાં આવે છે. ટીમનાં કોઇ એક અધિકારને ઓચિંતી તપાસની કામગીરી સોંપવામાં આવે છે. આ અધિકારી પોતાની ટીમ સાથે તાત્કાલિક અસરથી જે તે વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી લાગી જાય છે.

૨૧ જેટલા કિસ્સામાં ગેરકાયદે ખનિજ વહનને રોકવામાં ટીમને સફળતા

છેલ્લા દોઢ માસથી કાર્યરત આ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા અત્યાર સુધીમાં પાંચ તાલુકાનાં વિવિધ ગામોમાં ઓચિંતી તપાસ હાથ કરીને રોયલ્ટી ભર્યા વગર કે ઓવરલોડ ખનિજનું વહન કરતાં વાહનો, ખનનમાં ઉપયોગમાં લેવાતા મશીનો સહિતને જપ્ત કરવાની સાથે લોડિંગ કરેલા ખનિજ તેમજ ખનનની જગ્યાની માપણી કરવામાં આવ્યા બાદ જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ચેકિંગ દરમ્યાન ૨૧ જેટલા કિસ્સામાં ગેરકાયદે ખનિજ વહનને રોકવામાં ટીમને સફળતા મળી છે. જેના પગલે ૨૮૨૮.૬૯૩ મે.ટન ખનિજનો જથ્થો જપ્ત કરવાની સાથે જવાબદારો સામે દડાત્મક કાર્યવાહી સબબ રૂ. ૧૭.૧૦ લાખની વસૂલાત પણ કરવામાં આવી છે. જ્યારે ૮ જેટલા કેસમાં હજુ કાર્યવાહી કરવાની બાકી છે.

જિલ્લાનાં પાંચ તાલુકાઓમાં ૨૧ જેટલી સફળ ડ્રાઇવ

ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા અત્યાર સુધી વિવિધ તાલુકાઓમાં ૨૧ જેટલી સફળ ડ્રાઇવ કરવામાં આવી તેમાં માંડવી તાલુકામાં સૌથી વધુ ૮ ડ્રાઇવ, મુન્દ્રા તાલુકામાં ૨, ગાંધીધામ તાલુકામાં ૨, ભુજમાં ૫ અને નખત્રાણામાં ૧ ડ્રાઇવ કરવામાં આવી છે. આ ડ્રાઇવ દરમ્યાન ૨૧ જેટલા વાહનો તેમજ ખનિજનો જથ્થો જપ્ત કરીને નજીકનાં પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જિલ્લામાં ગેરકાયદે ખનિજનું વહન, ખનન ઝડપાયંુ તેમાં મુખ્યત્વે બેન્ટોનાઇટ, રેતી, બ્લેક ટ્રેપ, સાદી માટી, અને ચાઇના ક્લેનો સમાવેશ થાય છે.

 ટાસ્ક ફોર્સની ટીમમાં સમાવિષ્ટ આઠ અધિકારીઓ

કલેક્ટર આનંદ પટેલ દ્વારા તા. ૧૫-૧૧-૨૦૨૫નાં ખનિજ ચોરીનાં દૂષણને ડામવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી, તેમાં વિવિધ કચેરીનાં આઠ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મુખ્યત્વે જિલ્લા પુરવઠા અધિકારી, મામલતદાર-માંડવી, મામલતદાર-ભુજ ( ગ્રામ્ય), ભૂસ્તર શાસ્ત્રી-અંજાર, જિલ્લા પુરવઠા નિરીક્ષક, સર્કલ ઓફિસર- બળદિયા, માઇન્સ સુપરવાઇઝર-ભુજ અને સર્વેયર-ભુજને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ પૈકી કોઇ પણ અધિકારીને કલેક્ટરની સૂચના મળ્યેથી તુરંત ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

 ટાસ્ક ફોર્સટીમ દ્વારા દોઢ માસમાં કરાયેલી ધાક બેસાડતી કાર્યવાહી

ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા તા. ૧૭-૧૧થી તા. ૧૬-૧૨ સુધીમાં ચેકિંગ દરમ્યાન વિવિધ ૨૧ જેટલા કિસ્સાઓમાં સ્થળ પર જ ખનિજનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી તેમાં તા. ૧૭-૧૧નાં માંડવીમાં ૩.૯૭ મે.ટન બેન્ટોનાઇટ, તા. ૧૯નાં માંડવી પિયાવામાંથી ૩.૮ મે.ટન બેન્ટોનાઇટ, તા. ૨૧નાં માંડવીનાં શેરડીમાંથી ૨૫૦૦ મે.ટન બેન્ટોનાઇટ, તા. ૨૪નાં માંડવીનાં જૈન આશ્રામ પાસે ૮.૮ મે.ટન બેન્ટોનાઇટ, તા. ૨૫નાં પણ આ જ સ્થળેથી ૩.૧ મે.ટન બેન્ટોનાઇટ, રાયણમાંથી બે કિસ્સામાં ૧-૧ મે.ટન રેતી, જીટી ગ્રાઉન્ટ સામેથી ૪૦ મે.ટન રેતી, ૨૮નાં મુન્દ્રાનાં પત્રી ખાતેથી બે જગ્યાએથી ૨૧.૬૯૩ મે.ટન અને ૨૬.૭૮ મે.ટન રેતી, તા. ૧-૧૨નાં ગાંધીધામના મીઠી રોહરમાંથી બે અલગ અલગ કિસ્સામાં ૩૦ મે.ટન અને ૪૦ મે.ટન રેતી, તા. ૨-૧૨નાં ભુજનાં ખત્રી તળાવ મિરઝાપર ચોકડી પાસેથી ૧૪.૩ મે.ટન બ્લેક ટ્રેપ, દહીંસરામાંથી ૪.૭૫ મે.ટન બેન્ટોનાઇટ, તા.૪નાં નખત્રાણા તાલુકાનાં નિરોણાની ભરૂડ નદીમાંથી ૭ મે.ટન રેતી, તા. ૧૦નાં ભુજનાં કનૈયાબેમાંથી ૪.૯૯ મે.ટન સાદી માટી, તા. ૧૦નાં કનૈયાબે રોડ પરથી ૩૩.૫૧ મે.ટન ચાઇના ક્લે, તા. ૧૨નાં મમુઆરામાંથી બે અલગ અલગ કિસ્સામાં ૨૫-૨૫ મે.ટન ચાઇના ક્લે, તા. ૧૬નાં મમુઆરામાંથી જ ૨૦ મે.ટન રેતી અને તા. ૧૬-૧૨નાં સુખપરમાંથી ૧૪ મે.ટન બ્લેટ ટ્રીપનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો----    Gujarat Flashback 2025 : ગુજરાત નકલી પોલીસના કેસમાં દસમા ક્રમે, વીતેલા વર્ષે 37 થી વધુ નકલી પોલીસ ઝડપાયા

  • Follow us on: