સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રીના સાતમા નોરતે બુધવારે રાત્રે આશાપુરા માતાજીના સાનિધ્યમાં પરંપરાગત હોમ-હવનની ધાર્મિક વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.


શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર

પરંપરાગત રીતે યોજાતા આ હોમ-હવનની વિધિ રાત્રે 8:30 કલાકે શરૂ કરવામાં આવી હતી. મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે હવનની મુખ્ય પૂજા અને આહુતિ આપવામાં આવી હતી. વિદ્વાન ભૂદેવો દ્વારા કરવામાં આવેલા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને વેદોક્ત વિધિથી આખું પરિસર ગુંજી ઉઠ્યું હતું. મા આશાપુરાના શરણોમાં અર્પણ કરવામાં આવેલી આ આહુતિઓ સાથે કચ્છ અને સમગ્ર ગુજરાતના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ભક્તોનું ઘોડાપૂર

ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાના મઢ ખાતે આખા દેશમાંથી પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માના દર્શનાર્થે પહોંચ્યા છે. સાતમા નોરતે હોમ-હવનના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજીના માર્ગદર્શન હેઠળ તમામ ધાર્મિક પરંપરાઓનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે ઝળહળતી રોશની અને મંત્રોચ્ચાર વચ્ચે મા આશાપુરાના ધામમાં એક દિવ્ય અનુભૂતિ સર્જાઈ હતી.


આ પણ વાંચો----    Gandhinagar : ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, ભાજપે દિગ્ગજોને સોંપી જવાબદારી, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત

  • Follow us on: