કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાંથી આગની એક મોટી ઘટના સામે આવી રહી છે. ભચાઉના છાડવારા ગામની સીમમાં આવેલી એક સોલાર કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.
ઘટનાની વિગત
મળતી માહિતી મુજબ, છાડવારા ગામે આવેલી સોલાર પેનલ બનાવતી કંપનીમાં આજે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કંપનીના મોટા હિસ્સાને લપેટમાં લઈ લીધો હતો. સોલાર પ્લેટ્સ અને અન્ય ઈલેક્ટ્રિકલ સાધનો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હોવાનું મનાઈ રહ્યું છે. કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.













