અંજારના ચંદીયા ગામે થોડા દિવસો પૂર્વે એક યુવતીની લાશ કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. આ મામલે પોલીસે ગંભીરતા દાખવી તપાસ શરૂ કરી હતી, જેમાં આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવતીની હત્યા તેના જ પ્રેમીએ કરી હતી. આરોપી પ્રેમીએ યુવતીની હત્યા કર્યા બાદ પોતાના મિત્રની મદદ લીધી હતી.
યુવતીની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી
બંનેએ સાથે મળીને યુવતીની લાશને કૂવામાં ફેંકી દીધી હતી જેથી આ આત્મહત્યાનો બનાવ લાગે અને પોલીસને ગેરમાર્ગે દોરી શકાય. અંજાર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પ્રેમી અને તેના સાગરીત મિત્રની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે જેથી હત્યા પાછળનું ચોક્કસ કારણ (મોટિવ) જાણી શકાય.













