Kutch News: અંજાર પોલીસની સફળ કાર્યવાહી, વરસાણા ગામ નજીકથી નશાના કાળા કારોબારનો કર્યો પર્દાફાશ


કચ્છના અંજાર પોલીસ મથકની ટીમે બાતમીના આધારે વરસાણા ગામ નજીક આવેલા એક ધાબા પર સફળ દરોડો પાડીને નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીમાં લાખોની કિંમતનું હેરોઇન મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાઈવે પર આવેલા ધાબાની આડમાં ચાલતા આ ગેરકાયદેસર નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે છેલ્લા કેટલાક સમયથી વોચ ગોઠવી હતી, જેમાં આ સફળતા મળી છે.

પોલીસે બાતમીના આધારે પાડ્યા હતા દરોડા

આ કાર્યવાહી દરમિયાન પોલીસે પ્રકાશ કુમાર હરીંગારામ વિશ્ર્નોઈ નામના શખ્સને 22.37 ગ્રામ હેરોઇન સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા આ માદક પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ.4,47,400 જેટલી થવા જાય છે. પ્રાથમિક પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી ધાબા પર આવતા ટ્રક ચાલકો અને અન્ય ગ્રાહકોને છૂટકમાં હેરોઇનનું વેચાણ કરતો હતો. પોલીસે હેરોઇન ઉપરાંત અન્ય શંકાસ્પદ મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.

છૂટકમાં હેરોઇન વેચાણ કરતો હોવાનો ખુલાસો

અંજાર પોલીસે હાલમાં આરોપી વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નશાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની પાછળ અન્ય કોઈ આંતરરાજ્ય ગેંગ સક્રિય છે કે કેમ. સરહદી જિલ્લા કચ્છમાં નશાના વધતા દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે, જેથી યુવાધનને બરબાદ થતું અટકાવી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: