કચ્છ જિલ્લાના નિરોણા ગામે દારૂબંધીના લીરેલીરા ઉડતી એક ઘટના સામે આવી છે. ગામમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દેશી દારૂના વેચાણથી કંટાળેલા સ્થાનિક લોકોએ કાયદો હાથમાં લઈ 'જનતા રેડ' કરી હતી. ગ્રામજનોએ એકત્ર થઈને દારૂના અડ્ડા પર ત્રાટકીને મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો પકડી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

નિરોણા ગામના એક રહેણાંક વિસ્તારમાં લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ થતું હોવાની આશંકા હતી. ગ્રામજનોએ જ્યારે એક બંધ મકાનનું તાળું તોડ્યું, ત્યારે અંદરથી દેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. રહેણાંક મકાનનો ઉપયોગ દારૂ છુપાવવા અને વેચવા માટે થતો હોવાનું સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગામમાં નિર્ભય બનીને દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જે યુવાધનને બરબાદ કરી રહ્યું છે.

બંધ મકાનનું તાળું તોડતા દારૂનો જથ્થો મળી આવ્યો

ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી આ હિંમતભરી જનતા રેડના સમાચાર વાયુવેગે પ્રસરતા કચ્છ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લોકોએ પકડેલો દારૂનો જથ્થો પોલીસને હવાલે કર્યો હતો. હાલમાં પોલીસે મુદ્દામાલ કબજે કરી, મકાન માલિક અને દારૂના વેપાર સાથે સંકળાયેલા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: