કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના મુખ્ય મથક એવા રાપર શહેરમાં આજે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. રાપર-ધોરાવીરા રોડ પર આવેલી એક જાણીતી સુપર માર્કેટમાં માલસામાનની હેરફેર કરતી લિફ્ટ એક નિર્દોષ યુવાન માટે કાળ સાબિત થઈ છે. કામ દરમિયાન અચાનક લિફ્ટમાં માથું ફસાઈ જતાં યુવાનનું મોત નીપજ્યું છે, જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની વિગતો
ઘટનાની મળતી માહિતી અનુસાર, રાપર ધોરાવીરા રોડ પર આવેલા સુપર માર્કેટમાં ચેતન પુંજાભાઈ ગામી નામનો યુવાન ફરજ બજાવી રહ્યો હતો. સુપર માર્કેટમાં માલસામાનની ઉપર-નીચે હેરફેર કરવા માટે બનાવવામાં આવેલી લિફ્ટમાં કામ કરતી વખતે અચાનક જ ચેતનભાઈનું માથું લિફ્ટના ગાળામાં ફસાઈ ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, યુવાન લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.
હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યો
ઘટનાને પગલે સુપર માર્કેટમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને સાથી કર્મચારીઓએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ચેતનને રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર મળતા જ મૃતક યુવાનના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે.
પોલીસ તપાસ શરૂ
આ અકસ્માત અંગે જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. રાપર PSI પી. એલ. ફણેજાએ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લિફ્ટમાં ટેકનિકલ ખામી હતી કે, કેમ અથવા સુરક્ષાના સાધનોનો અભાવ હતો, તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - Kutch : સુપ્રસિદ્ધ માતાના મઢમાં ચૈત્રી નવરાત્રીની ઉજવણી, સાતમા નોરતે યોજાયો પરંપરાગત હોમ-હવન